દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારો સાથે થયેલી કથિત ગેરવર્તણૂક મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં પક્ષ મૂક્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે માઇક અને મોબાઇલ સાથે ફરતા લોકોમાંથી કોણ રીલ બનાવે છે અને કોણ ખરેખર સ્વતંત્ર પત્રકાર છે તે અલગ તારવવું મુશ્કેલ બની ગયું છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહિનાની ખંડપીઠ સમક્ષ સિનિયર વકીલ ઇન્દિરા જયસિંહ અને ‘નેટવર્ક ઓફ વુમેન ઇન મીડિયા, ઇન્ડિયા’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીઓમાં વિરોધ પ્રદર્શનો અને જાહેર કાર્યક્રમોનું કવરેજ કરતા પત્રકારો માટે સુરક્ષા પગલાંની માગ કરાઈ છે. 

કોણ રીલ બનાવી રહ્યું છે અને કોણ સ્વતંત્ર પત્રકાર છે 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે માઇક સાથે ઘણા લોકો આવે છે, જેઓ રેકોર્ડિંગનું કહી રીલ અપલોડ કરે છે. તેથી કોણ રીલ બનાવી રહ્યું છે અને કોણ સ્વતંત્ર પત્રકાર છે તે જાણી શકાતું નથી. તેમણે ઉમેર્યું કે મહિલા પોલીસ સહિત કોઈપણ મહિલા સાથે ખરાબ વર્તન ન થવું જોઈએ.

મહિલા પત્રકારો સાથે ગંભીર અત્યાચારના આરોપો

દિલ્હીમાં 10 ઓક્ટોબર અને ત્યારપછી સીજેપી તેમજ વિપક્ષી દળો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે યોજાયેલા ઉગ્ર પ્રદર્શનો દરમિયાન દિલ્હી પોલીસ પર મહિલા પત્રકારો સાથે ગંભીર અત્યાચાર, છેડતી, મારપીટ અને ડરાવવા-ધમકાવવાના આક્ષેપો થયા હતા. આ ગંભીર બાબતની નોંધ લેતા સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું કે આરોપો ખૂબ ગંભીર હોવાથી અદાલત સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરી શકે છે. 

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીને હાજર રહેવા આદેશ

આ તપાસ સમિતિમાં મોટાભાગે ભૂતપૂર્વ મહિલા ન્યાયાધીશો અને નિવૃત્ત આઇપીએસ અધિકારીઓ સામેલ રહેશે. અગાઉ કોર્ટે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીને 15 ઓક્ટોબરે કોર્ટમાં રૂબરૂ હાજર રહી સમગ્ર પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવા અને સહાય કરવાનો આદેશ આપ્યો હતો.

એસસી/એસટી એક્ટ હેઠળના કેસમાં સુરક્ષા પ્રદાન

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહિલા પત્રકારને દિલ્હી પોલીસના એસીપી વિવેક ભગત દ્વારા દાખલ કરાયેલા એસસી/એસટી એક્ટ હેઠળના કેસમાં સુરક્ષા પ્રદાન કરી હતી. જંતરમંતર ખાતે આંદોલન દરમિયાન મહિલા પત્રકારે એસીપી વિવેક ભગત પર જાતીય સતામણીનો ગંભીર આરોપ મૂક્યો હતો. ત્યારબાદ એસીપીએ પણ આ મહિલા પત્રકાર સામે એસસી/એસટી એક્ટ હેઠળ વળતો કેસ નોંધાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે આ કેસમાં મહિલા પત્રકારને રક્ષણ આપતો આદેશ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જાહેર વિરોધ પ્રદર્શનોમાં રિપોર્ટિંગ કરતા તમામ પત્રકારોની વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાતંત્ર્ય જળવાવું ખૂબ જરૂરી છે. 


આ પણ વાંચો   :   USA : હિન્દુ મંદિર પર અંધાધૂંધ ગોળીબારના કાવતરા સામે ભારત ભડક્યું, કહ્યું..હિન્દુ વિરોધી અને નસ્લવાદી માનસિકતા..