અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં હિન્દુ મંદિર પર મોટા પાયે ગોળીબાર કરવાના કાવતરાની ભારતે આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે, ઓરોરા વિસ્તારના મંદિર પર હુમલાના પ્રયાસ પાછળ હિન્દુ વિરોધી અને નસ્લવાદી માનસિકતા સ્પષ્ટ દેખાય છે. અમેરિકી પોલીસે કાવતરું નિષ્ફળ બનાવ્યું છે, છતાં ભારતે ભારતીય સમુદાયની પૂરતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી.

એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ સામે આરોપ

પેલેટાઇન શહેરના 19 વર્ષીય યુવક એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ પર ઓરોરા વિસ્તારના સૌથી મોટા હિન્દુ મંદિર પર ઘાતક હુમલાની યોજના ઘડવાનો આરોપ છે. ટેકો બેલમાં કામ કરતો આ યુવક સાથી કર્મચારીઓ સામે ખુદને શ્વેત વર્ચસ્વવાદી અને નવ-નાઝી તરીકે ઓળખાવતો હતો. તેણે ભારતીય લોકોને મારવા માટે પોતે ઉત્સુક હોવાનું પણ જણાવ્યું હતું. 

રવિવારે તેણે મંદિરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો

રવિવાર, 11 ઓક્ટોબરે તે હથિયાર સાથે મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ફાયરિંગ કરવા જતાં તેની રાઇફલ જામ થઈ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારપછી તેના સહકર્મીએ પોલીસને એલર્ટ કરી, જેથી પોલીસે આરોપીને ઘરેથી નીકળતી વખતે ઝડપી પાડ્યો.

યુવકના ઘરમાંથી દારુગોળો મળ્યો

પોલીસ તપાસ દરમિયાન તેના ઘરેથી એઆર સ્ટાઇલ રાઇફલ, આશરે 300 રાઉન્ડ દારૂગોળો, લોડેડ મેગેઝિન, બોડી આર્મર, ટેક્ટિકલ ગિયર અને નાઝી પ્રતીકો વાળી સામગ્રી જપ્ત કરાઈ. ઉપરાંત આઠ પાનાનો મેનિફેસ્ટો મળ્યો છે, જેમાં તેણે પોતાને શ્વેત સર્વોપરિતાવાદી નવ-નાઝી ગણાવી ભારતીય, યહૂદી તથા આફ્રિકન-અમેરિકન લોકોને નિશાન બનાવવાની વાત લખી હતી.

https://x.com/MEAIndia/status/2110657430095012232 


એફબીઆઈ દ્વારા કાવતરાની તપાસ શરુ

ન્યાયાધીશે આરોપીને જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે અને કેસની હવે પછીની સુનાવણી 30 ઓક્ટોબરે હાથ ધરાશે. હાલ સ્થાનિક પોલીસ તેમજ એફબીઆઈ આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

નફરત અને હિંસા સામે કડક કાર્યવાહી જરૂરી

ભારતીય વિદેશ મંત્રાલયે આ ગંભીર બાબત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે અમેરિકામાં વધી રહેલી નફરત અને હિંસા સામે કડક કાર્યવાહી જરૂરી છે. ભારતે એવી અપેક્ષા રાખી છે કે અમેરિકી તંત્ર ન્યાયિક પગલાં લઈ ભારતીયોની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરશે. 


 આ પણ વાંચો   :   Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...Video