અમદાવાદના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરો અને ટ્રકોને કારણે સર્જાતા અકસ્માતોનો મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. રસ્તા પર વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવા અંગે ટકોર કરતાં જવાબદાર તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે.
નંબર પ્લેટ વગરના ડમ્પરો સામે કાર્યવાહી ક્યારે?
શહેરમાં દોડતા ડમ્પરોની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાતી ન હોવાના મુદ્દે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. વાહનની ઓળખ જ સ્પષ્ટ ન હોય તો અકસ્માત કે નિયમોના ભંગની સ્થિતિમાં જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવા વાહનો સામે યોગ્ય કાર્યવાહી થાય અને નિયમોનું પાલન કરાવવામાં આવે તે જરૂરી છે.
દિવસે પણ ભારે વાહનોની અવરજવરથી જોખમ
અમદાવાદમાં દિવસ દરમિયાન પણ ડમ્પરો અને ટ્રકોની અવરજવરનો મુદ્દો હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. શહેરના રસ્તાઓ પર ભારે વાહનોની બેફામ અવરજવર અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું કરી શકે છે. આવા વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવા અને નિયમોનો કડક અમલ કરાવવા તંત્રની જવાબદારી છે.
હેલ્મેટના નિયમોનું પાલન ક્યાં?
હાઈકોર્ટે હેલ્મેટના નિયમોના પાલન અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ટૂ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ સુરક્ષાનું મહત્વનું સાધન છે, છતાં નિયમોનું પાલન ન થતું હોય તો અકસ્માતમાં જીવલેણ ઈજાનું જોખમ વધી શકે છે.
ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ પણ જોખમી
વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો અકસ્માતનું જોખમ વધારી શકે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં તેને રોકવા માટે અસરકારક પગલાં લેવાય છે કે નહીં, તેવો સવાલ પણ હાઈકોર્ટની ટકોરમાં સામે આવ્યો છે.
પોલીસની કામગીરી સામે સવાલ
ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય તો પોલીસ શું કાર્યવાહી કરે છે, તે મુદ્દે હાઈકોર્ટે ધ્યાન દોર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર બેદરકાર વાહનચાલકો સામે પગલાં લેવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારે ધ્યાન આપવું જોઈએ. હવે આ મુદ્દે તંત્ર કેવાં પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...