ગુજરાતની આર્થિક રાજધાની સમાન અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસામાં વધુ એક ગૌરવવંતું પુસ્તક ઉમેરાવા જઈ રહ્યું છે. અમદાવાદના ઇતિહાસ સાથે વણાયેલા ઐતિહાસિક એલિસબ્રિજને એક અત્યાધુનિક હેરિટેજ ડેસ્ટિનેશન અને વોકવે તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. નવા વર્ષના પાવન અવસરે અમદાવાદના નાગરિકોને આ અદભુત વોકવે બ્રિજની ભેટ મળવા જઈ રહી છે. બ્રિટિશ કાળના આ પુરાાતન પુલને નવસંજીવની આપીને તેને હેરિટેજ લુક સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યો છે, જેનાથી શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

42.9 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી જોરશોરમાં

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 42.9 કરોડ રૂપિયાના મસમોટા ખર્ચે એલિસબ્રિજના રિનોવેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પુલના મજબૂતાઈ અને સુંદરતા વધારવા માટે તેના જૂના સ્ટીલ સ્ટ્રક્ચરને ખાસ એન્જિનિયરિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે જેથી તેની ઐતિહાસિક મજબૂતાઈ અકબંધ રહે. આ ઉપરાંત, બ્રિજ પર હરવા-ફરવા માટેની ફ્લોરિંગની કામગીરી પણ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે, જેનાથી આગામી દિવસોમાં તે ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

https://x.com/sandeshnews/status/2120731055439421853?a=Pd40PLQCJxSuJV283eY&s=20

હેરિટેજ લુક સાથે આધુનિક બેઠક વ્યવસ્થા

આ નવા વોકવે બ્રિજ પર આવનારા નાગરિકો માટે માત્ર ચાલવાની જ નહીં પરંતુ ખાસ આકર્ષક બેઠક વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે, જેથી લોકો પરિવાર સાથે બેસીને સાબરમતી નદીના સુંદર નજારા અને સૂર્યાસ્તનો આનંદ માણી શકે. ઐતિહાસિક ધરોહર જળવાઈ રહે અને સાથેસાથે આધુનિક મનોરંજન અને વોકિંગ સ્પેસ મળી રહે તેવો આ અદભુત સમન્વય અમદાવાદના પ્રવાસનને વધુ વેગ આપશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ એલિસબ્રિજ શહેરનું મોટું આકર્ષણ કેન્દ્ર બની જશે.

આ પણ વાંચો : Surat News: પેરિસ જેવો નજારો આપતા તાપી મેટ્રો બ્રિજ પરથી બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચાશે