અમદાવાદના રસ્તાઓ પર સતત વધતા જતા વાહનોના પ્રવાહ વચ્ચે પગપાળા ચાલતા રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવો એ એક મોટો જંગ જીતવા સમાન બની ગયો છે. ખાસ કરીને CG રોડ જેવા પોશ અને સતત ટ્રાફિકથી ધમધમતા શોપિંગ હબમાં ખરીદી માટે આવતા લોકોને રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના કાયમી અને સ્માર્ટ ઉકેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસે સાથે મળીને એક વિદેશી પેટર્ન આધારિત ટ્રાફિક સિગ્નલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કર્યું છે.
કેવી રીતે કામ કરશે આ નવું ટ્રાફિક સિગ્નલ?
મ્યુનિસિપલ માર્કેટ પાસે ક્રોસિંગ પર એક ખાસ પ્રકારનું પોલ (થાંભલો) ઊભો કરવામાં આવ્યો છે, જેના પર એક પુશ-બટન ડિવાઇસ લગાવેલું છે. જ્યારે કોઈ રાહદારીને રસ્તો ઓળંગવો હશે, ત્યારે તેણે આ બટન દબાવવાનું રહેશે. બટન દબાવવાની સાથે જ મુખ્ય રોડ પર આવતા વાહનો માટેનું ટ્રાફિક સિગ્નલ ગ્રીનમાંથી ઓરેન્જ અને ત્યારબાદ તરત જ રેડ (લાલ) થઈ જશે. વાહનો થોભી જતાં જ રાહદારીઓ માટે 'વોક' નું સિગ્નલ ચાલુ થશે, જેથી તેઓ કોઈપણ પ્રકારના ભય વિના, સુરક્ષિત રીતે ઝીબ્રા ક્રોસિંગ પરથી રોડ ઓળંગી શકશે. આ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાઈ છે જેથી વાહનચાલકોને પણ લાંબો સમય ઊભા ન રહેવું પડે.










