વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના હાથીખાના વિસ્તારમાં બની હતી, જ્યાં બે જૂથો વચ્ચેની અંગત અદાવત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતનું વેર વાળવા માટે સુફિયાન પઠાણ અને તેના સાગરીતોએ વિરોધી જૂથ પર નિશાન સાધીને એકપછી એક 4 રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થાનિક બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા.

રાજસ્થાનથી નેટવર્ક ઓપરેટ થતું હોવાનો ખુલાસો

ઘટનાની ગંભીરતા જોઈને વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આક્રમક કોમ્બિંગ કરીને મુખ્ય આરોપી સુફિયાન પઠાણ સહિત ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. તેમની અંગઝડતી લેતા ગુનામાં વપરાયેલી બે અદ્યતન પિસ્તોલ પણ મળી આવી હતી. આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કડીઓ હાથ લાગી છે. સુફિયાન પઠાણે કબૂલાત કરી છે કે તે આ હથિયારો ગુજરાત બહારથી એટલે કે રાજસ્થાનના ગેરકાયદેસર હથિયારના સોદાગરો પાસેથી લાવ્યો હતો.

8 સામે ગુનો, પોલીસની ટીમ રાજસ્થાન રવાના

આ સમગ્ર કેસમાં વડોદરા પોલીસે કડક કલમો હેઠળ કુલ 8 લોકો સામે ગુનો નોંધ્યો છે. કોર્ટે પકડાયેલા ચારેય આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. હવે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા પોલીસની વિશેષ ટીમો અલગ-અલગ લોકેશન પર દરોડા પાડી રહી છે. આ સાથે જ, પિસ્તોલ સપ્લાય કરનાર રાજસ્થાનના મુખ્ય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વડોદરા પોલીસની એક ટીમ સત્તાવાર રીતે રાજસ્થાન જવા રવાના થઈ રહી છે, જેથી હથિયારોની ગેરકાયદે હેરાફેરીના આંતરરાજ્ય કૌભાંડને તોડી શકાય.

આ પણ વાંચો: Mehsana: વડનગરના પ્રાચીન મંદિરમાં મોટો વહીવટી પલટો, વિવાદો વચ્ચે મોડી રાત્રે 12 વાગ્યે સરકારી વહીવટદારે સંભાળ્યો ચાર્જ