ઐતિહાસિક નગરી વડનગરમાં આવેલા પ્રાચીન મંદિરના વહીવટ અને પ્રોપર્ટીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ટ્રસ્ટમાં કોઈ કાયદેસરનું અને માન્ય ટ્રસ્ટી મંડળ અસ્તિત્વમાં ન હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા તેમજ મંદિરની સંપત્તિની સુરક્ષા અર્થે નાયબ ચેરિટી કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેરિટી કમિશનરની કચેરી દ્વારા આ મંદિરનો વહીવટ ચલાવવા માટે સરકારી વહીવટદાર તરીકે નાયબ ચેરિટી કમિશનર અને નિરીક્ષકની કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી.

દિવસભર ચાલ્યો હાઇડ્રામા અને પોલીસ બંદોબસ્ત

આ અગાઉ, પૂર્વ ટ્રસ્ટીઓ સરકારી વહીવટદારને મંદિરનો ચાર્જ સોંપ્યા વિના જ નિકળી ગયા હતા. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્રસ્ટીઓને આદેશ કરીને તાત્કાલિક મંદિરે હાજર થવા જણાવ્યું હતું. જોકે, સવારથી એક પણ ટ્રસ્ટી હાજર ન થતાં વાતાવરણ તંગ બન્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો સવારથી જ મંદિર પરિસરમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

મોડી રાત્રે બે ટ્રસ્ટીઓ હાજર થયા અને પ્રક્રિયા પૂર્ણ થઈ

આખો દિવસ ચાલેલી આ રસાકસી બાદ, મોડી રાત્રે આખરે બે ટ્રસ્ટીઓ હરેશ મોદી અને હરેશ દાળિયા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાં હાજર સરકારી વહીવટદાર અને પોલીસ અધિકારીઓ સાથે આ બંને ટ્રસ્ટીઓની લાંબી વાતચીત અને કાનૂની દસ્તાવેજોની ચકાસણી થઈ હતી. તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ, રાત્રે બરાબર ૧૨ વાગ્યે મંદિરનો તમામ વહીવટ, ચાવીઓ અને રેકોર્ડ સત્તાવાર રીતે સરકારી વહીવટદારને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ હસ્તાંતરણ સાથે જ વડનગરના આ પ્રતિષ્ઠિત મંદિરના વહીવટ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે.

આ પણ વાંચો: Surat એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ: દુબઈથી આવેલી ફ્લાઈટમાંથી રૂ.36.89 લાખનું લાવારિસ સોનું ઝડપાયું