અમદાવાદમાં પ્રખ્યાત બ્રાન્ડ 'લક્ષ્મી નમકીન' ના ચવાણાના પેકેટમાંથી મરેલા વંદા મળી આવ્યા હોવાના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. પીડિત મહિલા ગ્રાહક દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અને હેલ્થ વિભાગમાં કરાયેલી ફરિયાદો બાદ, હવે લક્ષ્મી નમકીનના માલિક (ઓનર) દ્વારા સત્તાવાર રીતે સામે આવીને આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દેવામાં આવ્યા છે. કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમની પ્રોડક્ટ્સ સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં તૈયાર થાય છે.

"અમે ક્યારેય કોઈના જીવ સાથે ચેડાં ન કરી શકીએ"

આ વિવાદ અંગે પોતાનો પક્ષ રજૂ કરતા લક્ષ્મી નમકીનના ઓનરે જણાવ્યું હતું કે, અમારી બ્રાન્ડ લાંબા સમયથી ગુણવત્તા માટે જાણીતી છે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે અમે અત્યંત સભાન છીએ. ઓનરે આક્ષેપોને નકારી કાઢતા દાવો કર્યો હતો કે, "અમે હંમેશાં સીલબંધ અને ચોક્કસ પેકિંગ સાથે જ ગ્રાહકોને ફૂડ પ્રોડક્ટ્સ આપીએ છીએ. આ રીતે કોઈના પણ સ્વાસ્થ્ય કે જીવ સાથે ચેડા કરવાનો સવાલ જ પેદા થતો નથી." ફેક્ટરીમાંથી માલ બહાર નીકળતી વખતે કડક ગુણવત્તા નિયંત્રણ (Quality Control) રાખવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

https://x.com/sandeshnews/status/2113176904870318153?s=20

ગુણવત્તા સામેના સવાલો વચ્ચે મામલો ગરમાયો

એક તરફ ગ્રાહક દ્વારા પેકેટમાં વંદો હોવાના પુરાવા સાથે હેલ્થ વિભાગમાં તપાસની માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ કંપનીના માલિક દ્વારા આક્ષેપોને નકારવામાં આવતાં આ કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હેલ્થ વિભાગ દ્વારા આ મામલે સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારબાદ જ સાચું સત્ય બહાર આવશે કે ખરેખર આ બેદરકારી કયા સ્તરે થઈ છે.

આ પણ વાંચો : Vadodara News : ગુજરાતમાં પ્રથમવાર પ્રયોગ સફળ, પોલીસની 'નવરાત્રી સુરક્ષા એપ'ને મળ્યો અદ્ભુત પ્રતિસાદ