અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તાર ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાવાની ઘટનામાં હવે વધુવિગતો સામે આવી છે. નાયબ વન સંરક્ષક (DCF) ડૉ. મનીલ જાનીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ઘુમા વિસ્તારમાં દીપડો હોવાની વાતની પુષ્ટિ થઈ ગઈ છે અને વન વિભાગની ટીમ હાઈ એલર્ટ પર છે. દીપડાએ વિસ્તારમાં એક મરઘાનું મારણ કર્યું હોવાના પુરાવા પણ વન વિભાગને હાથ લાગ્યા છે.
કાંકરિયા ઝૂ ની ટીમે કરી પુષ્ટિ
શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે 1.50 વાગ્યાની આસપાસ દીપડો કોટ કૂદીને અંદર ઘૂસ્યો હતો. તે સમયે ત્યાંથી કાર લઈને પસાર થતી એક યુવતીએ પણ દીપડાને નજરોનજર જોયો હતો. કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ અને વન વિભાગની ટીમે સોસાયટીમાં 3 થી 4 જગ્યાએ દીપડાના પંજાના નિશાન શોધી કાઢ્યા છે અને તેની સત્તાવાર પુષ્ટિ કરી છે.
4 પાંજરા અને ટ્રાન્કવિલાઈઝર ગન તૈનાત
નાયબ વન સંરક્ષકના જણાવ્યા અનુસાર, દીપડાને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ 4 પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. વન વિભાગની શૂટર્સની ટીમ કોઈપણ કટોકટી માટે ટ્રાન્કવિલાઈઝર ગન સાથે ઘટનાસ્થળે હાજર છે.
થર્મલ ડ્રોનનો ઉપયોગ થશે, ૫૦ કિમી સુધી મૂવ થવાની સંભાવના
ડૉ. મનીલ જાનીએ વધુમાં જણાવ્યું કે, દીપડાનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવા માટે અત્યાધુનિક 'થર્મલ ડ્રોન' નો ઉપયોગ કરવામાં આવશે, જે રાત્રિના અંધારામાં પણ બોડી હીટ પકડીને દીપડાને શોધી કાઢશે. દીપડો એક રાતમાં 5 થી 50 કિલોમીટર સુધી મૂવ થઈ શકે છે, જેથી આસપાસના શેલા, બોપલ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોને પણ સાવધ કરવામાં આવ્યા છે. વહેલી સવારે શહેરના મેયર હિતેશ બારોટ પણ શરણદીપ સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો તેમજ અધિકારીઓ સાથે મુલાકાત કરી સુરક્ષાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..