અમદાવાદના ગોતા વિસ્તારમાં બિલ્ડર દ્વારા ફૂટપાથની જગ્યા પર દબાણ કરી નવી સ્કીમ માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા દાવા મુજબ AMCની જગ્યાનો ઉપયોગ કરી સ્કીમના એલિવેશન માટે ફૂટપાથ પર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ફૂટપાથ પર જ ગાર્ડન બનાવાયું હોવાનો આરોપ

ગોતામાં નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફૂટપાથની જગ્યા પર જ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બિલ્ડિંગ સ્કીમના એલિવેશનને વધુ આકર્ષક બનાવવા માટે જાહેર ઉપયોગની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Gota: Builder Accused of Footpath Encroachment

ચોમાસાની પાણીની લાઈન પણ દબાવી?

આ મામલે વધુ ગંભીર આક્ષેપ એ છે કે ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટેની લાઈન પણ નીચે દબાઈ ગઈ હોવાનું કહેવાય છે. જો પાણીના નિકાલની લાઈન ખરેખર બાંધકામ નીચે દબાઈ હોય તો ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

રજૂઆત બાદ માત્ર પાણીની લાઈન ખોલાઈ

સ્થાનિકો દ્વારા અગાઉ AMC સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર પાણીની લાઈન ખોલી નાખવામાં આવી હોવાનો દાવો છે. જોકે, ફૂટપાથ પર થયેલા કથિત દબાણ અંગે સંપૂર્ણ કાર્યવાહી થઈ કે નહીં તે અંગે હવે સવાલો ઊભા થયા છે.

Ahmedabad Gota: Builder Accused of Footpath Encroachment

વિશાખા ગ્રુપની સ્કીમ સામે સવાલ

ગોતા વિસ્તારમાં વિશાખા ગ્રુપ દ્વારા નવી સ્કીમનું કામ ચાલી રહ્યું છે. આ સ્કીમના કામ દરમિયાન ફૂટપાથ અને AMCની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપો વચ્ચે હવે તંત્ર સ્થળ તપાસ કરીને હકીકત શું છે તે સ્પષ્ટ કરે તેવી માંગ ઉઠી રહી છે.

જાહેર જગ્યા કોની મંજૂરીથી વપરાઈ?

સૌથી મોટો સવાલ એ છે કે જો ફૂટપાથ AMCની જાહેર જગ્યા છે તો તેના પર ગાર્ડન અને એલિવેશન માટે બાંધકામ કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? પાણીની નિકાલની લાઈન પણ બાંધકામ હેઠળ આવી હોય તો તેની જવાબદારી કોની? હવે AMC દ્વારા સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.  


આ પણ વાંચો  :  Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video