અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસનો આ ત્રીજો દિવસ હતો. આ દરમિયાન ગોતા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 

ગોતા સ્થિત આઈ શ્રી ખોડિયાર એકમમાં ટીમે દરોડો પાડ્યો

ગોતા સ્થિત આઈ શ્રી ખોડિયાર એકમમાં ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાં વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ગંભીર બાબતો સામે આવી હતી. સોસ બનાવવામાં ટામેટાંનો બિલકુલ ઉપયોગ થતો નહોતો. તેના બદલે પપૈયા અને બટેટાના પલ્પનો વ્યાપક ઉપયોગ થતો હતો. આ સાથે સોસમાં પ્રતિબંધિત સિન્થેટિક કલર ઉમેરવામાં આવતો હતો. આ રીતે નકલી સોસ તૈયાર કરાતો હોવાનું પકડાયું હતું.

10 હજાર કિલો નકલી સોસનો જથ્થો જપ્ત 

મનપાની આરોગ્ય ટીમે તાત્કાલિક કડક પગલાં ભર્યા હતા. સ્થળ પરથી 10 હજાર કિલો નકલી સોસનો જથ્થો જપ્ત કરાયો હતો. આ બનાવટ અંગે આધાર મેળવવા તંત્ર સજ્જ બન્યું છે. અધિકારીઓ દ્વારા સોસના વિવિધ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેથી તેમાં રહેલા તત્વોની ચોક્કસ વિગતો જાણી શકાય. લેબ અહેવાલ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

2 માસ અગાઉ મનપા દ્વારા અહીં દરોડો પડ્યો

આ પેઢી પર અગાઉ પણ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ હતી. આશરે 2 માસ અગાઉ મનપા દ્વારા અહીં દરોડો પડ્યો હતો. તે સમયે ઉત્પાદન પરિસરમાં ભારે ગંદકી જોવા મળી હતી. ત્યારે આરોગ્ય વિભાગે નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી. આમ છતાં ફરી અહીં ભેળસેળવાળો સોસ બનાવવાનું ચાલુ રખાયું હતું. આખરે તંત્રએ કડક હાથે કામ લઈ સમગ્ર જથ્થો સીલ કર્યો છે. 

 

આ પણ વાંચો    :   Vadodara : ગરબાના પાસની મોટી રામાયણ...સતત ફોનથી કંટાળ્યા નગરસેવકો...આખરે કહી દીધું પાસ માટે ફોન કે મેસેજ ના કરો..