ગુજરાતના મેગાસિટી અમદાવાદ (Ahmedabad) માં જાહેર પરિવહનની મહત્વની સુવિધા ગણાતી મેટ્રો (Ahmedabad Metro) ના પાર્કિંગ વિસ્તારોની સ્થિતિને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના મેટ્રો પાર્કિંગમાં અસામાજિક તત્વો (Antisocial Elements) નો અડ્ડો જામ્યો હોવાના અને પાર્કિંગ સ્થળો પર દારૂની બોટલોના ઢગલા (Liquor Bottles Pile) જોવા મળ્યા હોવાના અહેવાલોથી શહેરીજનો અને મુસાફરોમાં ચિંતા વધી છે. જાહેર સુવિધાના સ્થળોએ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં સંબંધિત તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે.

પાર્કિંગ પ્લોટ બન્યા ખાનગી વાહનોના ગોડાઉન

મેટ્રો પાર્કિંગ પ્લોટ (Metro Parking Plot) ની અન્ય એક મોટી સમસ્યા બિનવારસી વાહનો (Abandoned Vehicles) ના જમાવડાની સામે આવી છે. અનેક પાર્કિંગ પ્લોટ ખાનગી વાહનોના ગોડાઉન જેવા બની ગયા છે, જ્યાં મહિનાઓથી બિનવારસી વાહનો કોઈપણ હલચલ વિના ધૂળ ખાઈ રહ્યા છે. આ વાહનો લાંબા સમયથી પડી રહેતા પાર્કિંગની ઉપલબ્ધ જગ્યા રોકાઈ જાય છે, જેના કારણે દરરોજ મુસાફરી કરતા મેટ્રોના નિયમિત મુસાફરોને પોતાના વાહનો પાર્ક કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

મેટ્રો મુસાફરોની સુવિધા સામે ઘોર બેદરકારી

નિયમિત મેટ્રો મુસાફરોની સુવિધા અને સલામતી જાળવવાની જવાબદારી નિભાવવામાં પાર્કિંગ સંચાલન અને તંત્ર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બિનવારસી વાહનોનો નિકાલ ન થવો અને દારૂની બોટલો જેવી અસામાજિક પ્રવૃત્તિઓના અવશેષ મળવા એ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કરે છે. નાગરિકો અને મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે મેટ્રો પાર્કિંગમાંથી બિનવારસી વાહનો તાત્કાલિક હટાવવામાં આવે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય અને મુસાફરોને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા મળે.

આ પણ વાંચો : Junagadhના GIDC વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના, પિતાના જ વાહન નીચે કચડાઈ 3 વર્ષની બાળકીનું મોત