એક તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. તો બીજી તરફ, પાઠ્યપુસ્તકોની અછતનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે પાઠ્યપુસ્તક મંડળની પ્રતિક્રિયા સામે આવી છે. મંડળે જણાવ્યુ હતુ કે, શાળાઓમાં પાઠ્યપુસ્તક વેકેશન સમયે મોકલવામાં આવ્યા હતા. ધોરણ-10 અને 12ના પુસ્તકનું એપ્રિલમાં વિતરણ કરવામાં આવ્યું હતુ. મંડળે વધુમાં કહ્યુ હતુ કે, 25મેથી બજારમાં 78 લાખ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પુસ્તકો વિના સત્રની શરૂઆત
પાઠ્યપુસ્તક મંડળે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, 1 કરોડ જેટલા પુસ્તકો બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો 4.5 કરોડ પુસ્તકોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. પુસ્તકો વિના શિક્ષણની શરૂઆત કેવી રીતે કરવી એ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટો પ્રશ્ન છે. ગરમીની રજાઓ પૂર્ણ થયા બાદ શાળામાં નવા સત્રની શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ નવા ધોરણમાં પ્રવેશ મેળવે છે. પરંતુ આ ઉત્સાહમાં ભંગ ત્યારે પડે છે જ્યારે નવા સત્રમાં પુસ્તકોની ઘટ જોવા મળે છે. શાળા ખુલતા પહેલા ચોપડીઓ ખરીદવા માટે પડાપડી કરી રહેલા વાલીઓ ખાલી હાથ પરત ફર્યા હતા.
શું આવી રીતે ભણશે ગુજરાત ?
એક તરફ શિક્ષણને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ, શાળામાં પુસ્તક બાબતે હોબાળો સર્જાયો છે. વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર આપવા થઇ રહેલા દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. બજારમાં જ્યારે પાઠ્યપુસ્તકોની અછત હોય અને પાઠ્યપુસ્તક મંડળની પ્રતિક્રિયા કંઇક અલગ હોય. ત્યારે આ પ્રકારની પરિસ્થિતમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું આવી રીતે ભણશે ગુજરાત ?