અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલી પ્રખ્યાત 'એકા ક્લબ' ના પ્રોપર્ટી ટેક્સના મોટો વિવાદ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની લીગલ કમિટીની બેઠકમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો. AMC દ્વારા એકા ક્લબના ટેક્સની આકારણી પરિબળ-6 (Factor-6) મુજબ કરવામાં આવી છે, જેના આધારે ક્લબનો અંદાજે 20 કરોડ રૂપિયા જેટલો જંગી ટેક્સ બાકી નીકળે છે. બીજી તરફ, ક્લબ સંચાલકો દ્વારા પરિબળ-2 (Factor-2) હેઠળ ઓછી રકમની આકારણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે, જેના કારણે આ ટેક્સ વસૂલાતનો મુદ્દો લાંબા સમયથી અટવાઈ પડ્યો છે.
સિંગલ જજનો ચુકાદો AMC વિરૂદ્ધ જતાં હાઈકોર્ટની ડબલ બેંચમાં કરાઈ અપીલ
આ મિલકત વેરાનો સમગ્ર વિવાદ હાલ અદાલતના શરણે પહોંચ્યો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની બેંચમાં આવેલો ચુકાદો મહાનગરપાલિકાની વિરૂદ્ધમાં ગયો હતો, જેથી AMC એ પોતાના કરોડો રૂપિયાના ટેક્સની વસૂલાત માટે આ કેસને ડબલ બેંચ સમક્ષ મૂક્યો છે. લીગલ કમિટીની બેઠકમાં આ કેસનો ચુકાદો શક્ય તેટલો ઝડપી આવે અને મહાનગરપાલિકાના હિતમાં નિર્ણય થાય તે બાબતે કાયદાકીય વ્યૂહરચના અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
