અમદાવાદ મહાનગર પાલિકાના નોકર મંડળ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. શહેરમાં સારંગપુર પાણીની ટાંકીથી મહાનગર પાલિકા કચેરી સુધી રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ 19 જેટલી પડતર માગોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 15 દિવસ પહેલા પોતાની માગો મુદ્દે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓની રજૂઆત બાદ પણ માગ નહીં સ્વીકારવામાં આવતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો.
નોકર મંડળ દ્વારા રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયુ
અમદાવાદ મહાનગર પાલિકાના નોકર મંડળ દ્વારા પોતાની પડતર માગોને લઈને 15 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવાયું હતું. રજૂઆત કર્યા બાદ પણ તેનો નિકાલ નહીં થતાં આજે નોકર મંડળ દ્વારા સારંગપુર પાણીની ટાંકીથી લઈને મહાનગર પાલિકાની કચેરી સુધી રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ બંધ કરવા માગ કરી છે. આ ઉપરાંત ખાનગીકરણ બંધ કરી કાયમી ભરતી કરવા માગ કરાઈ છે. કર્મચારીઓએ ફાયર બ્રિગેડની નોકરી 24ને બદલે આઠ કલાક કરવા માગ કરી છે. સુરત કોર્પોરેશનની જેમ કર્મચારીઓને ગ્રેડ પે આપવાની તેમજ સફાઈકર્મીઓ માટે ઝોન વાઈઝ મકાનો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.













