અમદાવાદ શહેરમાં BRTS બસની બેફામ સ્પીડ અને અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના નવાવાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી ચાર રસ્તા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. જંકશન પરથી પસાર થઈ રહેલી પુરઝડપ BRTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો સખત હતો કે બાઇકચાલક જમીન પર પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ઇજાગ્રસ્ત બાઇકચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં જ ઈમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
