ટ્રાફિક નિયમોના પાલન માટે મોકલવામાં આવતા ઈ-ચલણ અંગે વાહનચાલકો માટે એક અત્યંત મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમે કોઈ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન નથી કર્યું અને તેમ છતાં તમને ભૂલથી ઈ-ચલણ આવી ગયું છે, તો હવે તમે તેને બે તબક્કે પડકારી શકશો. નવા નિયમો મુજબ વાહનમાલિક પહેલા ટ્રાફિક પોલીસ સમક્ષ અને ત્યારબાદ કોર્ટમાં તે ચલણને પડકારી શકે છે. તપાસ અને નિર્ણયના આધારે ખોટું ઈ-ચલણ રદ પણ કરી દેવામાં આવશે.

વર્ષ 2023 થી 2026 સુધીમાં 82 લાખથી વધુ ઈ-ચલણ ફાટ્યા

અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં વર્ષ 2023 થી 2026 સુધીમાં ટ્રાફિક પોલીસે કુલ 82 લાખથી વધુ ઈ-ચલણ ફટકાર્યા છે. જોકે, આ ટેકનોલોજી આધારિત પ્રક્રિયામાં નિયમ તોડનારાઓની સાથે અવારનવાર નિર્દોષ વાહનચાલકો પણ દંડાઈ જતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ખામીઓને સુધારીને ગત 12 ઓગસ્ટથી 'વન નેશન વન ચલાન'ના સ્થાને 'નેક્સ્ટ ઝેન ઈ-ચલાન' સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. 12 ઓગસ્ટ પહેલાં વાહનચાલકો પાસે ખોટા ચલણને આ રીતે પડકારવાનો કોઈ અધિકાર ન હતો.

Ahmedabad News: Next-Gen E-Challan System: Commuters Can Now Challenge Traffic Challans Twice

ચલણ પડકારવાની સમયમર્યાદા અને કાયદાકીય પ્રક્રિયા

વાહનચાલકો માટે નેક્સ્ટ ઝેન ઈ-ચલાન સિસ્ટમના સમયપત્રકને સમજવું ખૂબ જ જરૂરી છે.

  • ચલણની ઈ-કોપી: ઈ-ચલણ બન્યાના 3 દિવસમાં ઓનલાઈન ઈ-કોપી મળી જશે.
  • ફિઝિકલ કોપી: 15 દિવસની અંદર ચલણની ફિઝિકલ કોપી ઘરે પહોંચશે.
  • પ્રથમ પડકાર (ટ્રાફિક પોલીસ): કોપી મળ્યાના 45 દિવસની અંદર જો ચલણ ખોટું હોય તો ટ્રાફિક પોલીસ સમક્ષ અરજી કરી શકાશે.
  • દ્વિતીય પડકાર (કોર્ટ): જો પોલીસ અરજી રિજેક્ટ કરે, તો તેના 30 દિવસમાં દંડની 50% રકમ ડિપોઝિટ ભરીને કોર્ટમાં પડકારી શકાશે.

જો કોર્ટ તપાસ બાદ ઈ-ચલણ રદ કરવાનો આદેશ કરશે, તો ભરેલી 50 ટકા રકમ વાહનચાલકને પરત મળી જશે, પરંતુ જો ચલણ સાચું ઠરશે, તો બાકીની પૂરેપૂરી રકમ ભરવી પડશે.

Ahmedabad News: Next-Gen E-Challan System: Commuters Can Now Challenge Traffic Challans Twice

નાગરિકોને મળ્યો પોતાનો હક્ક

અગાઉની વન નેશન વન ચલણ સિસ્ટમમાં ઈસ્યુ થયેલા ચલણને રદ કરાવવાની કે પડકારવાની કોઈ સુવિધા ન હતી, જેના કારણે વાહનચાલકોને મજબૂરીવશ દંડ ભરવો પડતો હતો, પરંતુ સતત રજૂઆતો અને કોર્ટ કાર્યવાહી બાદ અમલમાં આવેલી આ નવી નેક્સ્ટ ઝેન સિસ્ટમથી નિર્દોષ વાહનચાલકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો કાનૂની હક્ક મળ્યો છે.


આ પણ વાંચો - Ahmedabad News : નીરજા ગુપ્તા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ તેજ, નિવૃત જજની અધ્યક્ષતામાં કમિટી રચાઈ