ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સના વેતન અંગે એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેના કારણે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્થ વર્કર્સને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો વર્ષ 2024માં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા હુકમ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ પર આવ્યો છે.


આંગણવાડી વર્કર્સને 24,800 વેતન ચૂકવવાનો હુકમ

હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માન્ય રાખતા સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ સરકારે આ વધેલા વેતનની ચૂકવણી 1 એપ્રિલ, 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવાની રહેશે. આ ઉપરાંત કોર્ટે સરકારને 6 મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવા માટે પણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચૂકવણી રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકાર એકલા હાથે પણ કરી શકે છે.

છ મહિનામાં સરકારે ચૂકવણી રહશે કરવાની

આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સ છેલ્લા ઘણા સમયથી પોતાના વેતનમાં વધારો કરવા માટે આંદોલન કરી રહ્યા હતા. તેઓની માંગણી હતી કે તેમને સરકારી કર્મચારીઓ જેવો દરજ્જો આપીને યોગ્ય વેતન ચૂકવવામાં આવે. આ ચુકાદો તેમના સંઘર્ષની જીત સમાન છે અને તે તેમના કાર્યને યોગ્ય સન્માન આપવા તરફનું એક મહત્વનું પગલું ગણી શકાય છે. આ નિર્ણયથી હજારો આંગણવાડી કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે અને તેમના જીવનધોરણમાં સુધારો થશે.


  • Follow us on: