અમદાવાદ શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જોવા મળતી અસ્વચ્છતા અને ગંદકી સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. હવેથી શહેરમાં આવેલી તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ કોર્ટસે પોતાના રસોડાના સીસીટીવી (CCTV) કેમેરાનું લાઈવ ફૂટેજ બહાર રિસેપ્શન અથવા ગ્રાહકો જોઈ શકે તેવા સ્થાને મોટી સ્ક્રીન પર મૂકવું ફરજિયાત રહેશે. AMC ના આ નિર્ણયથી ગ્રાહકો પોતાનો ખોરાક કેવા વાતાવરણમાં બની રહ્યો છે તે પ્રત્યક્ષ જોઈ શકશે, જેથી રસોડામાં પારદર્શિતા અને સ્વચ્છતા જાળવવી જ પડશે.

11,000 થી વધુ એકમોને ઈમેલ દ્વારા અપાઈ કડક સૂચનાઓ

AMC ફૂડ વિભાગ દ્વારા શહેરની 11,000 થી પણ વધુ નાની-મોટી હોટલો, રેસ્ટોરન્ટો અને મોલમાં આવેલા ફૂડ કોર્ટસને ઈમેલ મોકલીને આ આદેશનું ત્વરિત અને ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ફૂડ વિભાગની આ ઝુંબેશનો મુખ્ય હેતુ ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવાનો અને ખાદ્યપદાર્થો તૈયાર કરતી વખતે ઉચ્ચ સ્તરની હાઈજીન કન્ડિશન જાળવવાનો છે. આ નિયમનું પાલન ન કરનારા એકમો સામે આવનારા દિવસોમાં લાઈસન્સ રદ કરવા સુધીના આકરા પગલાં ભરાઈ શકે છે.

FSSAI ના નિયમોનું પાલન અને કાચા માલની ગુણવત્તા પર મુકાયો ભાર

માત્ર સીસીટીવી કેમેરા જ નહીં, પરંતુ રસોડામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના તમામ નિયમોનું અક્ષરશઃ પાલન કરવાની પણ કડક તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખોરાક બનાવવા માટે વપરાતા કાચા માલ, લોટ, મસાલા, તેલ અને શાકભાજીની ગુણવત્તા પણ ઉચ્ચ કક્ષાની જ રાખવા માટે સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે. AMC ના આ નિર્ણયથી અમદાવાદની ખાણીપીણીની ગુણવત્તામાં મોટો સુધારો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabadમાં Food વિભાગનો સપાટો! 7 એકમો સીલ, ખાદ્ય પદાર્થોમાં કીડા-જીવાત મળી