સાબરમતી જેલ વિવાદને લઈને ચર્ચામાં આવેલા કુખ્યાત આરોપી હરેશ ઉર્ફે હરૂ પ્રેમચંદ મૂલચંદાની (હરૂ સિંધી) સામે સરદારનગર પોલીસે આકરા પગલાં લીધા છે. પોલીસે હરૂ સિંધીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી તેની સામે તડીપારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના ગુનાહિત ઇતિહાસ અને પોલીસ ચોપડે નોંધાયેલા અનેક ગુનાઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આ કડક નિર્ણય લીધો છે.
અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડીપાર
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી હેઠળ હરૂ સિંધીને આગામી બે વર્ષ માટે તડીપાર જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમના કારણે તેના અમદાવાદ શહેર સહિત આસપાસના અન્ય સંલગ્ન જિલ્લાઓમાં પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. હરૂ સિંધી અને તેની ટોળકી દ્વારા નિર્દોષ નાગરિકો તેમજ વેપારીઓને ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
