રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના મુખ્યાલય ખાતે વંદે માતરમ ગાન દરમિયાન બનેલી ઘટનાના વિરોધમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું અનાદર કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્ર થઈને કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

રેલી અને કેન્ડલ માર્ચ યોજી નોંધાવ્યો વિરોધ

આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં ભાજપના કાર્યકરોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે એક મૌન અને ગંભીર વિરોધ નોંધાવવા માટે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં કેન્ડલ અને પ્લેકાર્ડ્સ લઈને મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ આ ઘટનાને રાષ્ટ્રીય ગૌરવ સાથે ખીલવાડ ગણાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતૃત્વ સામે ભારે સૂગ

કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ અને દેશભક્તિના સમર્થનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ એ દેશની આઝાદીની લડાઈનો પ્રતીક અને દેશવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. તેનું અનાદર સહન કરી શકાય નહીં. ભાજપે માગ કરી હતી કે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ આ બાબતે સમગ્ર દેશની જનતાની સમક્ષ જાહેર માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો : Vav-Tharad News : વંદે માતરમના અપમાનના આક્ષેપનો વિરોધ, ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન...