ગુજરાત યુનિવર્સિટી (GU) મંડળ દ્વારા એક અત્યંત મહત્વનો અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 10 જેટલા હંગામી (કોન્ટ્રાક્ટ આધારિત) કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે. સત્તાધીશોની આ કડક કાર્યવાહીને કારણે યુનિવર્સિટીના સમગ્ર શૈક્ષણિક અને વહીવટી બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
GUSECના ગ્રુપ CEO સહિત ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં
ફરજમુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓમાં ‘ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ’ (GUSEC) ના ગ્રુપ CEO સહિતના મુખ્ય હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. ઊંચા પગારધોરણ અને મહત્વના હોદ્દા ધરાવતા આ અધિકારીઓને અચાનક દૂર કરવામાં આવતા સમગ્ર કેમ્પસમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.





