દિલ્હીના લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને તાત્કાલિક અસરથી વધુ મજબૂત કરવામાં આવી છે. રાજ્યભરની પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે અને સંવેદનશીલ તથા જાહેર સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશ બાદ અમદાવાદમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
અમદાવાદ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર નાકાબંધી
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ શહેરમાં પ્રવેશવાના રસ્તા પર નાકાબંધી કરવામાં આવી છે. વડોદરા એક્સપ્રેસ વે પર રામોલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શંકાસ્પદ કારનું પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુસાફરોનું પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
મહત્વના સ્થળો પર ઝીણવટભરી તપાસ
રાજ્યભરમાં ધાર્મિક સ્થળો, મોટા મંદિરો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ, ડૉગ સ્ક્વૉડ અને બોમ્બ સ્ક્વૉડની ટીમો દ્વારા આ તમામ મહત્વના સ્થળો પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. લોકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં એલર્ટ
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું છે.પોલીસને વાહન ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પુછપરછ માટે સૂચના આપવામાં આવી છે.સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવશે.મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.