અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ છે. જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં ચડતી વખતે એક આધેડ વયના મુસાફરનો અચાનક પગ લપસી ગયો હતો. ટ્રેને ગતિ પકડી હોવાના કારણે મુસાફર પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેની ભયાનક જગ્યામાં સરકી જવાની અણી પર હતો. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય મુસાફરોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
રેલવે ટેક્નિશિયન મહેશ પરમાર બન્યા દેવદૂત
મુસાફરને મોતના મુખમાં સરકતો જોઈને ત્યાં નજીકમાં જ ફરજ પર તૈનાત રેલવે કર્મચારી અને ટેક્નિશિયન મહેશ પરમારે સેકન્ડના છઠ્ઠા ભાગમાં અપાર હિંમત અને સમયસૂચકતા દર્શાવી હતી. તેમણે પોતાની જાનની પરવા કર્યા વિના ત્વરિત દોડીને આધેડને પ્લેટફોર્મ તરફ જોરથી ખેંચી લીધા હતા અને સહીસલામત બહાર કાઢ્યા હતા. મહેશ પરમારની આ જાંબાઝી અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે આધેડનો અકલ્પનીય રીતે જીવ બચી ગયો હતો.
