આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સેવા સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર/ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.


આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર સવા લાખ કરોડ કરતાં પણ વધુ છે

હરિત ક્રાંતિના પ્રણેતા ડૉ.એમ.એસ.સ્વામીનાથનની જન્મજયંતી નિમિત્તે તેમનું સ્મરણ કરી સૌને હેન્ડલૂમ દિવસની શુભકામનાઓ પાઠવતા સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે 'માય હેન્ડલૂમ, માય પ્રાઈડ' ના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું છે. આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર સવા લાખ કરોડ કરતાં પણ વધુ છે.

સહકારી બેન્કિંગ સેક્ટરમાં અનેક ક્રાંતિકારી પહેલો આરંભી છે

વિશ્વકર્માએ સહકાર ક્ષેત્રના વિકાસ વિશે વાત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમ વખત શરૂ કરાયેલા સહકારિતા મંત્રાલયે 'સહકાર સે સમૃદ્ધિ'ના સૂત્ર સાથે એક નવી દિશા આરંભી છે. દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્ર અને સહકારી બેન્કિંગ સેક્ટરમાં અનેક ક્રાંતિકારી પહેલો આરંભી છે. એમના નેતૃત્વમાં ૬૦ જેટલાં નવીન ઇનીશિયેટિવ સહકારી ક્ષેત્રે શરૂ કરવામાં આવ્યા છે. સહકાર ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સહકારી મંડળીઓનું મજબૂત નેટવર્ક આજે સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરી રહી છે. તેમના માર્ગદર્શનમાં દેશમાં નવી બે લાખથી વધુ પેક્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સહકારિતા ક્ષેત્રની દેશની પ્રથમ યુનિવર્સીટી એવી ત્રિભુવન સહકારી યુનિવર્સીટીનું ખાતમુહૂર્ત હમણાં જ અમિતભાઈએ કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

આખા રાજ્યમાં ૨૮ લાખથી વધુ નવા એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં ખોલવામાં આવ્યા છે

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કેન્દ્ર સરકારની નેશનલાઈઝ કો-ઓપરેટીવ મંડળી અને સંલગ્ન સંસ્થાઓમાં રજીસ્ટ્રેશનની સો ટકા કામગીરી અમદાવાદ જિલ્લાની છે. જીએસસી બેંક અને એડીસી બેંક દ્વારા બેંક એકાઉન્ટ, માઇક્રો એટીએમ સહિતના ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા આઠ મહિનામાં આખા રાજ્યમાં ૨૮ લાખથી વધુ નવા એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં ખોલવામાં આવ્યા છે અને ૧૨ હજાર કરોડથી વધુની રકમ ડિપોઝિટ આવી છે.

વિવિધ વિષયો અંગે હકારાત્મક વાર્તાલાપ અને ચર્ચા વિચારણા કરી હતી

સહકારી મંડળીઓ આજે ૨૨ જેટલી નવી સેવાઓ સાથે સંકળાયેલી કામગીરી કરી શકે છે. જેમાં જન ઔષધિ કેન્દ્ર, પેટ્રોલ પંપ, ગેસ રિફિલ વિતરણ, રેલવે/ એર ટીકીટ, લાઇટબીલ કલેક્શન, જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ સહિતની સેવાઓની મંજૂરી મોડલ બાયલોઝ અંતર્ગત કેન્દ્ર સરકારે આપી છે, એમ તેમણે ઉમેર્યું હતું. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિરમગામ, બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ, ગાંધીનગર સહિતના તાલુકાની સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં વિવિધ મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારોએ પોતાની મંડળીઓની કામગીરી, સરકારી સહાય, સભાસદો, ધિરાણ અને અન્ય પ્રવૃત્તિઓ સહિતની બાબતો અંગે સંવાદ સાધી વિવિધ વિષયો અંગે હકારાત્મક વાર્તાલાપ અને ચર્ચા વિચારણા કરી હતી.

મંડળીમાંથી ધિરાણ લેતા સભાસદોને વીમાની સુવિધા

આ સંવાદ દરમિયાન મંડળીઓની વિવિધ પ્રવૃતિઓ જેવી કે, માઇક્રો એટીએમ, ગોડાઉન, કેસીસી કાર્ડ, જન ઔષધિ કેન્દ્રો, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન, CSC સેન્ટર, બાયલોઝ, બિયારણ વેચાણ, ખેત ઓજારોનું વેચાણ, બેંક મિત્ર, નેશનલ મંડળીઓમાં રજીસ્ટ્રેશન, સીઝનલ વસ્તુઓનું વેચાણ, મંડળીમાંથી ધિરાણ લેતા સભાસદોને વીમાની સુવિધા જેવા વિષયો બાબતે મંડળીઓના પ્રતિનિધિઓએ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને વિભાગના સેક્રેટરી સંદિપ કુમાર સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

સહકાર ક્ષેત્રના વિવિધ આધુનિક અને ડિજિટલ પ્રકલ્પો

જીએસસી બેંક અને એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં આજે 'સહકારથી સમૃદ્ધિ'નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. આ વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આધુનિક ટેકનોલોજી અને કોમ્પ્યુટરાઈઝેશન થકી આજે સહકાર ક્ષેત્ર વધુ સક્ષમ બન્યું છે. સહકારીતા ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા દરેક સહભાગીઓને એકસાથે લાવીને વિકસિત ભારતના નિર્માણમાં સહકાર ક્ષેત્રનું આગવું યોગદાન હોય તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ, તેમણે સહકાર ક્ષેત્રના વિવિધ આધુનિક અને ડિજિટલ પ્રકલ્પો તથા તેમના સરળ અમલીકરણ વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (ઉત્તમ ડેરી)ના ચેરમેન મોહનભાઈ ભરવાડ, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.(મધુર ડેરી)ના ચેરમેન  ડૉ. શંકરસિંહ રાણા અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ જનરલ મેનેજર કિરીટભાઇ બાપોદરીયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સહકારી મંડળીઓના સેમિનાર/સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કો. મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી, સહકારી આગેવાન બિપીનભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને કાળુભાઈ ડાભી, કેન્દ્રીય સહકાર વિભાગના સેક્રેટરી સંજીવ કુમાર, બોટાદ દૂધ ઉત્પાદક સંઘ લી. (મધુસુદન ડેરી)ના ચેરમેન  ભોળાભાઈ રબારી, સહકારી આગેવાનો સર્વ જગદીશભાઈ પટેલ,  ઘનશ્યામભાઈ અમીન અને વજુભાઈ ડોડીયા, સહકાર વિભાગના અધિકારીઓ, એડીસી બેંકના સી.ઈ.ઓ. એમ.એલ.બહેડીયા, એડીસી બેંકના ડિરેક્ટર્સ અને પદાધિકારીઓ, જીએસસી બેંકના સી.ઈ.ઓ. પ્રદિપભાઇ વોરા અને પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: