અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ ૫૫૨૪ મતદાન મથકો ખાતે તા. ૧૫, ૧૬ અને ૨૨, ૨૩ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો તમામ મતદારો લાભ લઈ શકશે.
કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લાના ૨૧ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે
આ માટે શહેર-જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પના ચાર દિવસ દરમિયાન મતદારો પોતાના સંબંધિત મતદાન મથક પર જઈને BLO એટલે કે બૂથ લેવલ ઑફિસરની મદદથી વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં પોતાનું નામ શોધી શકશે તેમજ જો નામ ન હોય અથવા તેમનાં માતા/પિતા/દાદા/દાદીનું નામ પણ વર્ષ-૨૦૦૨ની મતદાર યાદીમાં ન હોય, તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગેનું માર્ગદર્શન પણ BLO પાસેથી મેળવી શકાશે.
મતદાન મથક પર જઈ એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે તેમજ ભરેલાં ફોર્મ પરત પણ આપી શકશે
ઉલ્લેખનીય છે કે, અનેક વિસ્તારોમાં રિડેવલપમેન્ટ કે ડિમોલિશનના કારણે નાગરિકોએ હંગામી સ્થળાંતર કર્યું હોય, BLOની મુલાકાત સમયે ઘરે હાજર ન હોય અથવા અન્ય કોઈ પણ કારણસર એન્યુમરેશન ફોર્મ મળ્યું ન હોય, તો આવા તમામ મતદારો ઉપરોક્ત દિવસો દરમિયાન સંબંધિત મતદાન મથક પર જઈ એન્યુમરેશન ફોર્મ મેળવી શકશે તેમજ ભરેલાં ફોર્મ પરત પણ આપી શકશે. આમ, ઉપરોક્ત દિવસો દરમિયાન વધુ ને વધુ સંખ્યામાં આ વિશેષ કેમ્પનો લાભ લેવા તેમજ મતદાતા તરીકેના પોતાના હક અને ફરજપાલન માટે ચૂંટણી તંત્રને સહયોગ આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરાયો છે.