અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામોની ગુણવત્તા સુધારવા અને નબળા બાંધકામો પર લગામ લગાવવા માટે એક મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ વિકાસકામોની ગુણવત્તા ચકાસવા માટે એક ખાસ સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા 'સરપ્રાઇઝ ચેકિંગ' (ઓચિંતી તપાસ) કરવામાં આવશે. પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારથી લઈને તેના લોકાર્પણ સુધીના તમામ તબક્કે સામગ્રી અને બાંધકામની ગુણવત્તાની બારીકાઈથી તપાસ કરવામાં આવશે, જેથી નબળા કામો પર સ્થળ પર જ રોક લગાવી શકાય.

ખામીઓ સુધારવા સમયમર્યાદા નક્કી

સ્વતંત્ર ટીમની તપાસ દરમિયાન જો કોઈ કામમાં ખામી કે નબળી ગુણવત્તા માલૂમ પડશે, તો તેને સુધારવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સામાન્ય ખામીઓ જણાય તો કોન્ટ્રાક્ટરે 7 દિવસની અંદર સુધારાત્મક કાર્યવાહી કરવી ફરજિયાત રહેશે. જોકે, સ્ટ્રક્ચરલ સેફ્ટી (માળખાકીય સુરક્ષા) કે પબ્લિક સેફ્ટી (જાહેર જનતાની સુરક્ષા) ને અસર કરતી કોઈ ગંભીર ખામી સામે આવશે, તો તેને માત્ર 2 જ દિવસમાં દૂર કરીને કામ યોગ્ય કરવાનું રહેશે. આ નિયમથી જાહેર મિલકતો અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.

ક્વોલિટી રિપોર્ટ વગર પેમેન્ટ અટકશે

AMC એ કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) પર કડક આર્થિક અને શિસ્તભંગના સિકંજો કસ્યો છે. જો તપાસ દરમિયાન વારંવાર ખામીઓ સામે આવશે, તો કોન્ટ્રાક્ટર અને પીએમસી સામે નિયમો મુજબ ભારે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, સૌથી મહત્વનો ફેરફાર એ કરાયો છે કે સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા રિપોર્ટની સંપૂર્ણ ચકાસણી અને મંજૂરી મળ્યા બાદ જ વિકાસકામના રનિંગ બિલ તેમજ ફાઈનલ બિલના ચૂકવણા (પેમેન્ટ) ની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : ન્હાવાશેવા પોર્ટ પર DRIનો મોટો સપાટો! સાઉદી જતું 56 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપાયું