ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અમદાવાદ ઝોન દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી વિરૂદ્ધ એક મોટું અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. DRI ની ટીમે મહારાષ્ટ્રના ન્હાવાશેવા પોર્ટ (Nhava Sheva Port) પરથી સાઉદી અરેબિયા તરફ જઈ રહેલું એક મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. અસામાજિક તત્વો દ્વારા કૃષિ કોમોડિટીની આડમાં ડ્રગ્સ મોકલવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કન્ટેનરમાં રાખવામાં આવેલી મકાઈની 351 ગુણીઓમાંથી મકાઈના દાણા સાથે ચાલાકીપૂર્વક મિશ્રણ કરીને છુપાવવામાં આવેલું 56 કિલો ગ્રામ જેટલું 'મેથામ્ફેટામાઈન' (Methamphetamine) નામના જોખમી ડ્રગ્સનો વિપુલ જથ્થો શોધી કાઢીને કબ્જે કરવામાં આવ્યો છે.

16-17 ઓગસ્ટે ગુપ્ત માહિતીના આધારે DRI નું સપાટો

આ સફળ કામગીરી DRI ની અમદાવાદ ટીમને મળેલી અત્યંત સચોટ અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. બાતમીના પગલે DRI ની ટીમે 16 અને 17 ઓગસ્ટના રોજ ન્હાવાશેવા પોર્ટ ખાતે ઘેરાબંધી કરીને ઘન સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન મકાઈના જથ્થામાં ભેળસેળ કરાયેલું ડ્રગ્સ મળી આવતાં જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. DRI ના સમયસૂચક અને કડક પગલાંના કારણે ભારતથી સાઉદી અરેબિયા ખાતે કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની એક મોટી તસ્કરી સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દેવામાં આવી છે.

નિકાસકાર અને ફ્રેટ ફોરવર્ડરની અટકાયત, સઘન પૂછપરછ ચાલુ

આ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ DRI દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદેસર કન્સાઈનમેન્ટના મુખ્ય નિકાસકાર (Exporter) તેમજ માલની હેરાફેરીમાં સંકળાયેલા ટ્રાન્સપોર્ટર અને ફ્રેટ ફોરવર્ડરની તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી છે. આ ડ્રગ્સનો નેટવર્ક સ્ત્રોત ક્યાંથી આવ્યો હતો, આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કિંગપિન આ કૌભાંડ પાછળ સક્રિય છે અને અગાઉ પણ આવા કોઈ કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યા છે કે કેમ, તે તમામ દિશામાં DRI ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : રસોડાની ગંદકી હવે નહીં ચાલે! AMCનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટના CCTV બહારથી દેખાશે