ગુજરાત રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી તેમજ એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ સામે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશના ત્રીજા દિવસે પણ ફૂડ વિભાગની ટીમોએ સતત તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો હતો. મિલાવટખોરોમાં ફાફડાટ ફેલાવતા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

રાજ્યભરમાં ફૂડ વિભાગે 255 પેઢીઓમાં પાડ્યા દરોડા

તપાસની આ ઝુંબેશ દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ રાજ્યભરમાંથી ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ અને ઉત્પાદન કરતી કુલ 255 જેટલી પેઢીઓની ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરોડા દરમિયાન ગુણવત્તા વગરના અને ભે ભેળસેળયુક્ત જણાતા 13 જેટલા શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ (લેબોરેટરી ટેસ્ટ) માટે સરકારી પ્રોટોકોલ મુજબ મોકલી આપવામાં આવ્યા છે.

108.25 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો નાશ

કાર્યવાહી દરમિયાન અધિકારીઓને આરોગ્ય માટે હાનિકારક અને માનકો પર ખરા ન ઊતરતા પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે સ્થળ પર જ આશરે 108.25 કિલોગ્રામ જેટલા શંકાસ્પદ પનીરના જથ્થાને જપ્ત કરીને તેનો વિધિવત નાશ કર્યો હતો. નાશ કરવામાં આવેલા આ અખાદ્ય પનીરના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 31,043 જેટલી થાય છે. તંત્રે સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો : Patan News : કોંગ્રેસના આંતરિક વિવાદમાં ગરમાવો, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ તમામ આક્ષેપો ફગાવ્યા