અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ટેક્નોફોરા કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં સ્ટેજ પર પ્રોફેસર એચ.કે. પટેલે એક વિદ્યાર્થીને બોલાવી તેનો કોલર પકડી ધમકાવ્યો હોવાના દૃશ્યો ધરાવતો વીડિયો વાયરલ થયો છે. ઘટનાને લઈને એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને સંબંધિત પ્રોફેસર માફી માંગે તેવી માંગ કરી છે.
સ્ટેન્ડઅપ કાર્યક્રમ દરમિયાન શું થયું?
ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનના વિદ્યાર્થીઓ દ્વારા ટેક્નોફોરા નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાસ્ય અને સ્ટેન્ડઅપ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ‘ગોલમાલ-3’ ફિલ્મનો સંવાદ બોલ્યો હતો. ત્યારબાદ પ્રોફેસર એચ.કે. પટેલે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો હતો.

વિદ્યાર્થીને ધમકી આપ્યાનો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થીનો કોલર પકડી તેને ધમકાવતા જોવા મળે છે. પ્રોફેસરે વિદ્યાર્થીને યુનિવર્સિટીની કોઈ ફેકલ્ટીનું અપમાન કરવાની હિંમત ન કરવા અને આવું ફરી થશે તો કડક કાર્યવાહી કરવાની વાત કહી હોવાનું સામે આવ્યું છે.
https://www.instagram.com/reel/Ddsr-evj7lq/?utm_source=ig_web_button_share_sheet
વિરોધ બાદ 3 સિનિયર ડિરેક્ટરની કમિટી
ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા તપાસ માટે 3 સિનિયર ડિરેક્ટરની કમિટી બનાવવામાં આવી છે. કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરીને 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.
પ્રોફેસરે માફી માંગી, વિદ્યાર્થીએ પણ સ્વીકારી ભૂલ
આ સમગ્ર મામલે પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હોવાનું જણાવાયું છે. બીજી તરફ, વિદ્યાર્થીએ પણ પોતાની કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. તેમ છતાં ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની 4 મુખ્ય માંગ
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા સંબંધિત અધિકારી દ્વારા વિદ્યાર્થી સમક્ષ સ્પષ્ટ માફી માંગવી, સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવી, ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી આપવી અને વિદ્યાર્થીઓની ફરિયાદો તથા ચિંતાઓ સન્માનપૂર્વક સાંભળવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી છે. માંગણીઓ નહીં સંતોષાય તો લોકશાહી ઢબે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની