દેશભરની જિલ્લા અદાલતોમાં કેસોની બાકી પેન્ડન્સી મામલે અમદાવાદ દેશમાં આશરે 3.6 લાખ પડતર કેસો સાથે ચોથા ક્રમે છે.આ ઉપરાંત,કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા હોટસ્પોટ તરીકે ઓળખાવવામાં આવેલા દેશના 100 ન્યાયિક જિલ્લાઓમાં સુરત પણ આશરે 1.3 લાખ પડતર કેસો સાથે 80મા ક્રમે આવીને ગુજરાતનો બીજો જિલ્લો બન્યો છે.મંત્રાલયની સૂચનાઓને પગલે,જિલ્લા અને સબઓર્ડિનેટ અદાલતોમાં પેન્ડન્સી ઘટાડવાના દેશવ્યાપી અને સંશોધન-આધારિત અભિયાનના ભાગરૂપે,ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અમદાવાદ અને સુરત જિલ્લા અદાલતો સાથે મળીને વિલંબના કારણોનું વિશ્લેષણ કરવા કામ કરશે.ટોચના પાંચ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશના ત્રણ અને પશ્ચિમ બંગાળ તથા ગુજરાતનો એક-એક જિલ્લો સામેલ છે.

દેશભરની અદાલતોમાં 5.8 કરોડથી વધુ કેસો પડતર

ન્યાયતંત્રના ડેશબોર્ડના ડેટા દર્શાવે છે કે અમદાવાદ જિલ્લાના પડતર કેસોમાંથી આશરે 5% કેસો 10 વર્ષથી વધુ જૂના છે.જ્યારે આશરે 10% કેસો 5 થી 10 વર્ષથી પડતર છે.આ મહિનાની શરૂઆતમાં,કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું હતું કે સૌથી વધુ કેસોનો બોજ ધરાવતા દેશના ટોચના 100 ન્યાયિક જિલ્લાઓને લક્ષ્ય બનાવીને હોટસ્પોટ જિલ્લાઓની ઓળખ કરીને દેશવ્યાપી કવાયત દ્વારા પેન્ડન્સીનો ઉકેલ લાવવામાં આવશે.મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,દેશભરની અદાલતોમાં 5.8 કરોડથી વધુ કેસો પડતર છે.જેમાંથી મોટાભાગના જિલ્લા અને અધીનસ્થ અદાલતોમાં છે.

જિલ્લા અદાલતોની કુલ પેન્ડન્સીમાંથી અડધાથી વધુ હિસ્સો

વધુમાં,આ ઓળખવામાં આવેલા 100 જિલ્લાઓ દેશની તમામ જિલ્લા અદાલતોની કુલ પેન્ડન્સીમાંથી અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ 16 રાજ્યોની 19 નેશનલ લો યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે બેઠક યોજી હતી.પત્રિકામાં જણાવાયું છે કે, ચર્ચા દરમિયાન નિરર્થક કેસોની ઓળખ,કેસ પ્રોફાઇલિંગ, વૈકલ્પિક વિવાદ નિવારણ, મુદતોનું સંચાલન,બાર્ગેનિંગ,મધ્યસ્થતા આધારિત સમાધાન અને સમરી ટ્રાયલ પ્રક્રિયા લાવવા જેવા વિવિધ વિકલ્પો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.એવું સૂચન કરવામાં આવ્યું હતું કે NLUs પસંદગીના જિલ્લાઓમાં પેન્ડન્સીના ગ્રાઉન્ડ લેવલના વિશ્લેષણ માટે તેમના પ્રો બોનો ક્લબ, સંશોધકો અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી શકે છે.

કેસોનું વિશ્લેષણ ચોક્કસ કારણો ઓળખવામાં મદદ કરશે

GNLUના ડાયરેક્ટર પ્રો.એસ.શાંથાકુમારે આ બાબતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે આ પહેલ હેઠળ યુનિવર્સિટી અમદાવાદ અને સુરત જિલ્લા અદાલતના અધિકારીઓ સાથે મળીને કામ કરશે.તેમણે કહ્યું,અહીં મુખ્ય હેતુ પડતર કેસોનું મૂલ્યાંકન કરવાનો,વિલંબના મૂળ કારણોની ઓળખ કરવાનો અને પેન્ડન્સી ઘટાડવા માટે શક્ય વ્યૂહરચનાઓ સૂચવવાનો છે.અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ફેકલ્ટી સભ્યો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓની ટીમ સાથે આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરશે.તેમણે ઉમેર્યું કે ન્યાયિક સત્તામંડળો સાથેની પ્રાથમિક કામગીરીમાં વિવિધ કારણોસર પેન્ડન્સીમાં ફોજદારી કેસોનું પ્રમાણ વધુ હોવાનું બહાર આવ્યું છે.કેસ વિલંબિત થવાના ઘણા કારણો છે.જેમ કે કેટલાક કિસ્સાઓમાં પક્ષકારો હવે હાજર નથી.કેટલાકમાં દસ્તાવેજોનો અભાવ છે વકીલ અથવા પ્રતિનિધિત્વનો અભાવ છે અથવા ટેકનિકલ સમસ્યાઓ છે.કેસોનું વિશ્લેષણ આપણને ચોક્કસ કારણો ઓળખવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ Cyclone 'Arnab'નો કહેર યથાવત!7 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, દિલ્હી-UPમાં પણ વાવાઝોડાની અસર