અમદાવાદમાં અષાઢી બીજે નીકળનારી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રાની 12 મુખ્ય વિધિઓ પૈકીની સૌથી મહત્વપૂર્ણ ગણાતી 'જળયાત્રા' આજે જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે ભક્તિભાવપૂર્વક નીકળી રહી છે. સવારે 8 વાગ્યે નિજ મંદિરથી શરૂ થયેલી આ જળયાત્રા સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં 600 ધ્વજપતાકા સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગંગાપૂજન કરવામાં આવશે.
14 ગજરાજો, 10 થી વધુ ભજન મંડળીઓ અને 501 ભક્તો સાથે જોડાયા
આ ભવ્ય જળયાત્રામાં 14 ગજરાજો, 10 થી વધુ ભજન મંડળીઓ અને 501 ભક્તો અલગ-અલગ ધ્વજ પતાકા સાથે જોડાયા છે. આ ઉપરાંત ૧૦૦૮ સૌભાગ્યવતી મહિલાઓ માથે કળશ ધારણ કરી મંગળ ગીતો ગાશે. સાબરમતી નદીના પવિત્ર જળને 108 તાંબાના કળશમાં ભરીને સવારે ૯ વાગ્યે જળયાત્રા નિજ મંદિર પરત ફરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે ભગવાન પર મહાજળાભિષેક કરી મહાઆરતી કરવામાં આવશે.













