અમદાવાદ શહેરમાં વાતાવરણમાં થઈ રહેલા પલટાની સાથે જ સીઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, ચાલુ વર્ષના 11 મહિનાના સમયગાળા દરમિયાન શહેરમાં સીઝનલ ફ્લૂના 1800 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ ગંભીર સંક્રમણના કારણે અત્યાર સુધીમાં બે દર્દીઓના કરુણ મોત પણ નીપજ્યા છે, જેના કારણે શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોમાં સાવચેતી રાખવાની આવશ્યકતા વધી ગઈ છે.

બોડકદેવ વોર્ડમાં સૌથી વધુ 214 કેસ

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ફ્લૂનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. શહેરમાં સૌથી વધુ બોડકદેવ વોર્ડમાં 214 જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત પાલડી અને થલતેજ વિસ્તારમાં પણ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. બદલાતી મોસમમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાને કારણે નાના બાળકો અને વડીલો આ વાયરસનો ઝડપથી શિકાર બની રહ્યા છે.

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન બીજી લહેરની શક્યતા

આરોગ્ય નિષ્ણાતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સીઝનલ ફ્લૂની બીજી લહેર આવવાની પ્રબળ શક્યતા રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. સિવિલ અને એસવીપી હોસ્પિટલ સહિતના તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ પર દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે, જેથી સમયસર દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે.

આ પણ વાંચો : Botad SOGએ બરવાળાના નવડા ગામેથી ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરની કરી ધરપકડ