ભાવનગરમાં ભેળસેળયુક્ત અને નકલી દારૂ પીવાથી સર્જાયેલી ગંભીર હોનારતની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓને શંકા છે કે નકલી વિદેશી દારૂનો આ જથ્થો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાંથી અથવા ત્યાંના મુખ્ય રૂટ પરથી ભાવનગર પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર રેકેટમાં નકલી દારૂ બનાવનાર કારીગર અને મુખ્ય સૂત્રધાર તરીકે 'રહીશ' નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાવનગર દારૂ કાંડમાં અમદાવાદ સુધી રેડ અલર્ટ

પરિસ્થિતિની ગંભીરતાને જોઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકોને 'રોયલ સ્ટેગ' નામની બ્રાન્ડનો દારૂ ન પીવા સ્પષ્ટ અને કડક અપીલ કરી છે, કારણ કે આ જથ્થો ઝેરી અથવા ભેળસેળયુક્ત હોવાની ભીતિ છે. ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આખી રાતથી લઈને સવારે 8 વાગ્યા સુધી સમગ્ર જિલ્લામાં હાઇ-એલર્ટ આપીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

અમદાવાદ ગ્રામ્યના રૂટથી દારૂ ભાવનગર પહોંચ્યાની આશંકા

આશરે 800 પોલીસ જવાનોની જુદી જુદી ટીમો બનાવીને ગ્રામ્યના 500 જેટલા ગામડાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન રાતોરાત 177 થી વધુ દારૂના કેસો નોંધવામાં આવ્યા છે.જિલ્લાના તમામ ગામડાઓના સરપંચો સાથે પોલીસ અધિકારીઓએ તાકીદની બેઠકો કરી છે. ગામમાં જો કોઈ શંકાસ્પદ દારૂનું વેચાણ કે હેરાફેરી થતી હોય તો તેની ત્વરિત બાતમી પોલીસને આપવા સૂચના અપાઈ છે. તમામ હાઇવે, ચેકપોસ્ટ અને ગામડાઓના એન્ટ્રી પોઇન્ટ પર વાહન ચેકિંગ સઘન બનાવી દેવાયું છે જેથી ઝેરી દારૂનો અન્ય કોઈ જથ્થો લોકો સુધી ન પહોંચે.

આ પણ વાંચો: Vadodara: મૂર્તિ વિસર્જન માટે 2.50 કરોડના ખર્ચે 9 કૃત્રિમ તળાવ બનશે, VMC નું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન