અમદાવાદ ગ્રામ્ય એસઓજી એ લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે સીધો ખેલ કરતા એક અત્યંત ચોંકાવનારા અને કાળજું ધ્રુજાવી દેનારા આંતરરાજ્ય નકલી બ્લડ પ્લાઝ્મા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેન્સર જેવા ગંભીર રોગની દવા બનાવવા માટે વપરાતા કિંમતી બ્લડ પ્લાઝ્માની ચોરી કરી, તેના બદલે નકલી પ્લાઝ્મા (સલાઈન વોટર) સપ્લાય કરવાનું ઘૃણાસ્પદ પાપ આચરવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 4 સાગરીતોની ધરપકડ કરી છે અને ચાંગોદર ખાતેથી 11 લાખ રૂપિયાથી વધુની કિંમતની ૧૧૪૦ નંગ પ્લાઝ્મા બેગનો જથ્થો જપ્ત કર્યો છે.


નકલી બ્લડ બેંક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ 

ગ્રામ્ય એસઓજીના બે સજાગ પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે ચાંગોદરમાં એક નકલી બ્લડ બેંક જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે દરોડો પાડીને પ્રાથમિક તપાસમાં બ્લડ બેંકના ડ્રાઇવર જીતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફાને ઝડપી લીધા હતા. આ બંનેની કડક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી અને મુંબઈમાં બ્લડ બેંક ધરાવતા મોહન ગાયકવાડનું નામ સામે આવતા પોલીસે ચારેયને જેલભેગા કર્યા છે.

મોડસ ઓપરેન્ડી ફિલ્મી અને ક્રૂર 

આ ગેંગની મોડસ ઓપરેન્ડી ફિલ્મી અને ક્રૂર હતી. મુખ્ય આરોપી દિનેશ અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હોવાથી તે પ્લાઝ્માના વહન અને સિસ્ટમથી વાકેફ હતો. જ્યારે ડ્રાઇવર જીતેન્દ્ર દેશની અલગ-અલગ બ્લડ બેંકોમાંથી કિંમતી પ્લાઝ્માનો જથ્થો ભરીને ટ્રક લઈને નીકળતો, ત્યારે દિનેશ તેનો સંપર્ક કરતો હતો. 

અસલી બ્લડ પ્લાઝ્માની બેગો કાઢી લેતા 

ચાંગોદરમાં ભાડે રાખેલા એક મકાનમાં ટ્રક ઊભી રાખી આ શખ્સો અસલી બ્લડ પ્લાઝ્માની બેગો કાઢી લેતા હતા અને તેની જગ્યાએ સરખી દેખાતી સલાઈન વોટર ભરેલી નકલી બેગો ગોઠવી દેતા હતા. આ અસલી પ્લાઝ્મા મૂળ કિંમતના અડધા ભાવે મુંબઈના મોહન ગાયકવાડને વેચી દેવામાં આવતો હતો.

 કેન્સરની દવાઓની ગુણવત્તા જોખમાઈ 

જ્યારે ફાર્મા કંપનીઓ આ જથ્થાનું ટેસ્ટિંગ કરતી ત્યારે પ્લાઝ્મા ખરાબ હોવાનું માની તેને રિજેક્ટ કરી દેતી, જેના કારણે મૂળ બ્લડ બેંકોને કરોડોનું નુકસાન થતું હતું. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ રેકેટના કારણે ફાર્મા કંપનીઓમાં નકલી પ્લાઝ્મા સપ્લાય થતાં કેન્સરની દવાઓની ગુણવત્તા જોખમાઈ હતી. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આ નકલી જથ્થો કઈ-કઈ ફાર્મા કંપનીઓમાં પહોંચ્યો અને તેના કારણે કોઈ દર્દીનો જીવ ગયો છે કે કેમ, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?

  • Follow us on: