એક તરફ અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટને દેશના સૌથી સુંદર અને સ્વચ્છ જાહેર સ્થળોમાં સ્થાન અપાવવાના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક જુદી જ વાર્તા કહી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય અને લીલ જામી જતાં તંત્રના તમામ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્રની આ બેફિકરાઈના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોવાના આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે.
પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધ
અમદાવાદનું ગૌરવ અને સ્માર્ટ સિટીના વિકાસ મોડેલ તરીકે રજૂ કરવામાં આવતા આ પ્રોજેક્ટના પાણી પર આજે લીલની જાડી પરત જોવા મળી રહી છે. નદીના પાણીમાંથી આવતી અસહ્ય દુર્ગંધના કારણે અહીં સવાર-સાંજ આવતા મોર્નિંગ વોકર્સ અને પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે સ્થળે લોકો શુદ્ધ હવા અને સ્વાસ્થ્યના લાભ માટે આવે છે, ત્યાં જ હવે પ્રદૂષિત વાતાવરણને કારણે લોકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થયું છે. કોર્પોરેશનના આ માત્ર દેખાડા અને કાગળ પર ચાલતા અભિયાનો સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.













