રસ્તા બનાવામાં કોન્ટ્રાક્ટરો કેવો ભ્રષ્ટાચાર આચરે છે તેનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. જેમાં અમદાવાદના નરોડાથી હિંમતનગર નવો બનાવાયેલો એપ્રોચ રસ્તો બેસી ગયો છે પરિણામે તંત્રની બેદરકારીની પોલ ખુલી ગઇ છે. આખો બ્રિજ જ બેસી જતાં તંત્રએ બેરિકેડ લગાવીને સંતોષ માનવો પડ્યો છે.


6 લેનનો આ બ્રિજ દયનીય હાલતમાં

નવાઇની વાત તો એ છે કે આ બ્રિજ હમણાં 4 વર્ષ પહેલાં બનેલો છે. અને આજે 6 લેનનો આ બ્રિજ દયનીય હાલતમાં થઇ ગયો છે પરિણામે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

ભ્રષ્ટ તંત્ર હવે સુધરી જાય

4 વર્ષ પહેલાં જ બનેલા 6 લેન બ્રિજનો ભ્રષ્ટાચાર હવે સામે ખુલીને આવ્યો છે. ભ્રષ્ટાચાર ઉજાગર થતાં જ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની લેવાયો છે પણ તેનું તત્કાળ સમારકામ પણ શરુ કરાયું નથી. રસ્તા અને બ્રિજના નિર્માણમાં આ પ્રકારે થઇ રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે સરકારે પગલાં ભરવાની શરુઆત તો કરી દીધી છે જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જોવા મળી રહ્યું છે અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘરભેગા પણ કરી દેવાયા છે ત્યારે ભ્રષ્ટ તંત્ર હવે સુધરી જાય તે જરુરી છે.

ક્યા પ્રકારનું ઇન્સ્પેક્શન કરાયું હશે તે સમજવા જેવી વાત

જો કે એક તરફ અધિકારીઓ તો દાવો કરી રહ્યા છે કે જર્જરિત બ્રિજોનું સમારકામ કરવામાં આવશે અને વારંવાર ઇન્સ્પેક્શન કરીને બ્રિજની મજબુતાઇ ચકાસવામાં આવશે પણ આ પ્રકારે નવા બનેલા બ્રિજ પરનો એપ્રોચ જ બેસી જાય તો ક્યા પ્રકારનું ઇન્સ્પેક્શન કરાયું હશે તે સમજવા જેવી વાત છે. અધિકારીઓ માત્ર સ્થળ નિરીક્ષણ કરીને જતા રહે છે પણ ખરેખર તો સ્ટ્રકચરલ ઇજનેર પાસે બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવવું જોઇએ જેથી બ્રિજોને ક્યા પ્રકારનું સમારકામની જરુર છે તેની જાણ થઇ શકે.

 હજારો વાહનચાલકોને મુશ્કેલી

અમદાવાદ-હિંતનગર તરફ જતો આ 6 લેન રસ્તો ખુબ જ અગત્યનો છે કારણ કે સાબરકાંઠા, બનાસકાંઠા તરફ તથા રાજસ્થાન તરફ જતા હજારો વાહનચાલકો આ રસ્તા પરથી પસાર થાય છે અને આ રીતે તંત્ર દ્વારા બેદરકારી રાખવામાં આવતા વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજોની કામગીરી કર્યાના દાવાઓ વચ્ચે વધુ એક બ્રિજની જોખમી હોવાનું બહાર આવી રહ્યું છે.


  • Follow us on: