વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ન્યાયિક પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસમાં કોર્ટ દ્વારા 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ સજાના કન્ફર્મેશન માટે ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી હતી. આ કેસના સંદર્ભમાં આવતીકાલે 7 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપશે. જેને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ છે.
કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી
આ કેસની વિગતો પર નજર કરીએ તો, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં એક કલાકના ગાળામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. જેમાં 56 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી જેમાંથી સ્પેશિયલ કોર્ટે વર્ષ 2022માં 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને 38 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે હાઈકોર્ટ દ્વારા કન્ફર્મેશન અરજી પર આવનારો ચુકાદો આ કેસના દોષિતોના ભવિષ્ય અને ન્યાયતંત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો ગણવામાં આવી રહ્યો છે.
