આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારીનો એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે. ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થયેલી બાળકી મનીષા સલાટની છેલ્લા 5 દિવસથી કોઈ ભાળ મળી નથી. વહીવટી તંત્ર દ્વારા મોટા-મોટા દાવો કરવામાં આવે છે, પરંતુ એક નાની બાળકીને શોધવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે. છેલ્લા 120 કલાકથી બાળકીનો પરિવાર કાળજી કોરાવતી રાહ જોઈ રહ્યો છે. તંત્રની આ લાચારી અને ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકો અને પીડિત પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

કેમિકલયુક્ત પાણી અને સાબરમતી સુધી સર્ચ ઓપરેશન

ઘટનાસ્થળેથી લઈને સાબરમતી નદી સુધી ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શોધખોળ માટે 2 થી વધુ ખાસ બોટ, ડાઇવર્સ અને ઓક્સિજન કીટ સાથેની ટીમો તૈનાત કરવામાં આવી છે. જોકે, ડ્રેનેજના કેમિકલયુક્ત અને ઝેરી પાણીના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે વિઘ્નો આવી રહ્યા છે. દ્રશ્યતા (visibility) લગભગ 0 ટકા હોવાના કારણે ફાયર ફાઈટરોને અંદર ઉતરવામાં અને તપાસ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આમ છતાં, ડ્રેનેજની મુખ્ય લાઈનથી લઈને નદીના વહેણ સુધી 1 પણ ખૂણો છોડ્યા વગર તપાસ ચાલુ રાખવામાં આવી છે.

જ્યાં દીકરી ગુમ થઈ ત્યાં રોજ ચા-નાસ્તો મૂકતો પરિવાર

તંત્રની બેદરકારી વચ્ચે પરિવારની આશા હજુ પણ જીવંત છે. બાળકીના માતા-પિતાની આંખોમાં એક જ વાટ છે કે તેમની દીકરી સહીસલામત પાછી મળશે. ઘટનાસ્થળે સર્જાયેલા હૃદયદ્રાવક દ્રશ્યો સૌ કોઈની આંખો ભીની કરી રહ્યા છે—પરિવાર રોજ જ્યાં ઘટના બની હતી તે ડ્રેનેજ પાસે પોતાની દીકરી માટે ચા-નાસ્તો મૂકીને તેની રાહ જુએ છે. 1 બાજુ તંત્રના કાગળ પરના દાવાઓ છે અને બીજી બાજુ પરિવારનો દીકરી પ્રત્યેનો અવિરત પ્રેમ. હવે જનતા એક જ સવાલ પૂછી રહી છે કે આખરે ક્યાં સુધી આવી બેદરકારીનો ભોગ નિર્દોષ બાળકો બનતા રહેશે?

આ પણ વાંચો : Patanમાં શાહી ફેંકવાના કેસમાં રાજકારણ ગરમાયું, ભાજપની બે મહિલા નેતાઓની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ!