ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં શાહી ફેંકવાના વિવાદને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. શાહી ફેંકવાની આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના બે મહિલા આગેવાનો અચાનક અસ્વસ્થ થઈ જતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો તીવ્ર બન્યા છે.

ચેતનાબેન અને સુષ્માબેન હોસ્પિટલમાં દાખલ

મળતી વિગતો મુજબ, શાહી ફેંકવાના આ બનાવમાં ભાજપના મહિલા નેતાઓ ચેતનાબેન અને સુષ્માબેનની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બંને મહિલા નેતાઓએ ફરિયાદ કરી છે કે શાહી શરીર પર અને ચહેરા પર પડવાને કારણે તેમની આંખોમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે તેમજ ગળાના ભાગે તીવ્ર બળતરા થઈ રહી છે. તબીબો દ્વારા તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

ભાજપે કોંગ્રેસ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની કરી માંગ

આ મામલે ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાણી જોઈને આ પ્રકારનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાઓ અને હોદ્દેદારોએ પોલીસ પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા તથા મહિલા નેતાઓ પર શાહી ફેંકી તેમની તબિયત જોખમમાં મૂકનારા કોંગ્રેસી તત્વો સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

આ પણ વાંચો : Morbiમાં ચક્કાજામ કર્યા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા, ITI રોડ ક્રોસિંગ ખોલવાની ઉગ્ર માંગ!