મોરબી શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક મોટો જનઆક્રોશ સામે આવ્યો છે. હાલમાં જ બનેલી એક અકસ્માતની ઘટનામાં 2 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. માર્ગ પર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કર્યા બાદ, તમામ વિદ્યાર્થીઓ અને સ્થાનિકો એકઠા થઈને પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા માટે સીધા મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
મહેન્દ્રનગર ITI સામે સ્પીડ બમ્પ અને ક્રોસિંગ ખોલવાની ઉગ્ર માંગ
કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે મહેન્દ્રનગર ITI સામે આવેલું રોડ ક્રોસિંગ તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે. આ ઉપરાંત, પૂરપાટ ઝડપે દોડતા વાહનો પર લગામ કસવા માટે ITI ના મુખ્ય ગેટ સામે યોગ્ય સ્પીડ બમ્પ (Speed Bumps) બનાવવામાં આવે, જેથી દરરોજ અહીંથી પસાર થતા સેંકડો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકાતાં બચે.
