અમદાવાદ શહેરને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી બનાવવાના દિશામાં ગુજરાત સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના જુદા-જુદા 6 મેગા પ્રોજેક્ટ્સ માટે 'અર્બન ચેલેન્જ ફંડ' હેઠળ અંદાજે 2719.80 કરોડની માતબર રકમને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં જ અમદાવાદીઓની સુવિધામાં ધરખમ વધારો થશે અને શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે.

મોટો હિસ્સો શહેરની ડ્રેનેજ સિસ્ટમના સુધારા માટે ફાળવવામાં આવ્યો 

આ મેગા પ્લાનિંગ અંતર્ગત સૌથી મોટો હિસ્સો શહેરની ડ્રેનેજ સિસ્ટમના સુધારા માટે ફાળવવામાં આવ્યો છે. અમદાવાદના વર્ષો જૂના ગટર નેટવર્કના પુનર્વસન અને નવીનીકરણ માટે 1694 કરોડથી વધુની મંજૂરી અપાઈ છે. 

સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી પાછળ 479.25 કરોડનો ખર્ચ

આ ઉપરાંત, પશ્ચિમ ઝોનમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા જાળવી રાખવા માટે સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી પાછળ 479.25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે ડિજિટલ ટેકનોલોજીની મદદથી પીવાના પાણીના વ્યયને અટકાવવા અને યોગ્ય વિતરણ માટે ‘ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ’ (IWMS) પાછળ 215 કરોડ વાપરવામાં આવશે.

'કોમન મોબિલિટી કાર્ડ' અમલમાં આવશે

અમદાવાદના જાહેર પરિવહનને લઈને પણ આ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સુધારવા માટે સ્માર્ટ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ માટે3310.03 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સિસ્ટમ લાગુ થતાં જ મુસાફરો માટે મોટી જાહેરાત એ છે કે હવે AMTS, BRTS અને મેટ્રો ટ્રેન ત્રણેયમાં મુસાફરી કરવા માટે જુદી-જુદી ટિકિટ કે પાસ લેવાની જરૂર નહીં રહે, પરંતુ આ તમામ જાહેર પરિવહન સેવાઓ માટે એક જ 'કોમન મોબિલિટી કાર્ડ' અમલમાં આવશે. આ નિર્ણયથી લાખો મુસાફરોનો સમય અને પૈસા બચશે. 


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા