અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સોલા વિસ્તારના Sewage Treatment Plant (STP) ખાતે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં વેલ્ડીંગ અને સમારકામની કામગીરી દરમિયાન અચાનક ઝેરી ગેસનું ગળતર થતાં સાઇટ ઇન્ચાર્જ અને વેલ્ડરે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગ સમયે સુરક્ષાના પૂરતા સાધનો (Safety Gear) ના અભાવ અને ગંભીર બેદરકારીના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે.
મૃતકોના પરિવારોને 25-25 લાખનું વળતર
આ ગંભીર બનાવ બાદ શાસક પક્ષ અને AMC વહીવટી તંત્ર દ્વારા મૃતકોના આશ્રિત પરિવારોને રૂ. 25-25 લાખની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીમાં બેદરકારી દાખવનાર HNB એન્જિનિયર્સ એજન્સીને રૂ. 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં અજાણ્યા કે જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેને લઈને તંત્રની નીતિ-રીતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
