અમદાવાદ શહેરમાં સ્ટ્રીટલાઇટની કામગીરીને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગના અધિકારીઓની ભૂમિકા સામે સવાલો ઊઠી રહ્યા છે. અગાઉ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું, પરંતુ નવા ટેન્ડરની પ્રક્રિયા શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. હવે 398 કરોડ રૂપિયાના નવા ટેન્ડરમાં સિટાલુમ કંપનીને ફરી કામગીરી મળવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ સર્ટિફિકેટ અપાયું નહીં
અહેવાલ મુજબ, સિટાલુમ કંપનીનો સ્ટ્રીટલાઇટ કોન્ટ્રાક્ટ 9 જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયો હતો. તેમ છતાં કંપનીને પોણા બે વર્ષ સુધી કમ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. બીજી તરફ, 16 ઓક્ટોબર, 2025ના રોજ નવું ટેન્ડર બહાર પાડવાનું હતું. તેના માત્ર 11 દિવસ પહેલાં, એટલે કે 5 ઓક્ટોબરે કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
ડેપ્યુટી એન્જિનિયરે સહી કરી
આ સર્ટિફિકેટ સ્ટ્રીટલાઇટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે સહી કરીને આપ્યું હતું, પરંતુ તેમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની સહી ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ બાબતે સર્ટિફિકેટની પ્રક્રિયા અને તેની મંજૂરી અંગે સવાલો ઊભા થયા છે.
કમ્પ્લિશન સર્ટિફિકેટની પ્રક્રિયા સામે સવાલ
સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ સંબંધિત કામગીરીની ચકાસણી અને જરૂરી પ્રક્રિયા કરીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. જોકે, સિટાલુમ કંપનીના કિસ્સામાં કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નહોતું અને ત્યારબાદ નવા ટેન્ડર પહેલાં અચાનક સર્ટિફિકેટ આપી દેવાયું હતું. આ નિર્ણય અંગે સ્પષ્ટતા માગવામાં આવી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીની સૂચના છતાં અલગ ટેન્ડર નહીં
અહેવાલમાં જણાવ્યા મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા શહેરમાં ઝોન દીઠ અલગ-અલગ ટેન્ડરથી સ્ટ્રીટલાઇટના ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં લાઇટ વિભાગના અધિકારીઓએ આ સૂચનાનો અમલ કર્યો ન હોવાનો ઉલ્લેખ છે. શહેરના 7 ઝોન માટે અલગ ટેન્ડર કરવાને બદલે 398.40 કરોડ રૂપિયાનું સિંગલ ટેન્ડર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓની ભૂમિકા તપાસના દાયરામાં
કમ્પ્લિશન સર્ટિફિકેટ કઈ પ્રક્રિયાથી આપવામાં આવ્યું, તેમાં સંબંધિત અધિકારીઓની મંજૂરી હતી કે નહીં અને સ્ટેન્ડિંગ કમિટીની સૂચનાનો અમલ કેમ ન થયો તેવા સવાલો ઊભા થયા છે. નવા ટેન્ડર અને અગાઉના સર્ટિફિકેટ વચ્ચેના સમયગાળાને લઈને પણ સ્પષ્ટતા જરૂરી બની છે.
આ પણ વાંચો : Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન