અમદાવાદ અને મુંબઈમાં તાયલ ગ્રુપ સાથે જોડાયેલા સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોલકાતા ઝોનલ ઓફિસ દ્વારા અમદાવાદ અને મુંબઈના કુલ 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તાયલ ગ્રુપના પ્રમોટર-ડિરેક્ટર પ્રવિણ તાયલ, સૌરભ તાયલ સહિત અન્ય લોકો સામે બેંક ફ્રોડ, મની લોન્ડરિંગ અને આઈબીસીના દુરુપયોગના કેસમાં તપાસ ચાલી રહી છે.

12 સ્થળોએ EDની સર્ચ, મહત્વના દસ્તાવેજો જપ્ત

તપાસ દરમિયાન શેલ કંપનીઓ અને બેંક ખાતાઓ સાથે જોડાયેલા દસ્તાવેજો તથા વિવિધ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. EDની કાર્યવાહી દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલા કુલ 215 બેંક ખાતા પીએમએલએ હેઠળ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

20 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવી 

આ ઉપરાંત પ્રવિણ તાયલના રહેણાંક સ્થળેથી રૂ.20 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. તપાસ દરમિયાન છુપાવવામાં આવેલી વિવિધ સ્થાવર મિલકતો સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

બેંક ફ્રોડમાં રૂ.820.86 કરોડની ગુનાની રકમનો આરોપ

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ તાયલ ગ્રુપની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કથિત બેંક છેતરપિંડીમાં રૂ.820.86 કરોડની ગુનાની રકમ હોવાનું સામે આવ્યું છે. આરોપ મુજબ ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ, ઉત્પાદન વધારવાના દાવા અને ગીરો રાખવામાં આવેલી મશીનરીના ગેરકાયદે વેચાણ સહિતની રીતો દ્વારા બેંકમાંથી ફંડ મેળવવામાં આવ્યું હતું.

શેલ કંપનીઓ મારફતે રકમનું લેયરિંગ કરવાનો આરોપ

તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે બેંકમાંથી મેળવવામાં આવેલી રકમનું શેલ કંપનીઓ મારફતે લેયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રકમનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં રોકાણ માટે કરવામાં આવ્યો હોવાનો દાવો તપાસમાં કરવામાં આવ્યો છે. અગાઉ નાગપુરના એમ્પ્રેસ મોલ સહિત આશરે રૂ.483 કરોડની મિલકતો અટેચ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

IBCના દુરુપયોગથી EDની કાર્યવાહી નિષ્ફળ બનાવવાનો પ્રયાસ?

EDની તપાસ મુજબ ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એટલે કે આઈબીસીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને EDની સંપત્તિ અટેચમેન્ટની કાર્યવાહી નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છેઆ મામલે રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ કિરણ સી. શાહ, વિનોદ પી. અંબાવત અને રવિ કપૂર સાથે જોડાયેલા પરિસરોમાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

Resolution Professionalsની ભૂમિકા પણ તપાસ હેઠળ

તપાસ એજન્સીના આરોપ મુજબ સંબંધિત પક્ષોના ચકાસણી વગરના અને વધારેલા દાવાઓ સ્વીકારવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાથી બેંકોના વોટિંગ હિસ્સાને ઘટાડવામાં મદદ મળી હોવાનો પણ આરોપ છે. EDની તપાસમાં પ્રમોટર-ડિરેક્ટરો, શેલ કંપનીઓ અને રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ વચ્ચે સાંઠગાંઠ હોવાના સંકેતો મળ્યા હોવાનું જણાવાયું છે.

અમદાવાદમાં પણ સમાન મોડસ ઓપરેન્ડીની તપાસ

આ ઉપરાંત અમદાવાદ EDની અલગ તપાસમાં પણ આઈબીસીની પ્રક્રિયા મારફતે પીએમએલએ હેઠળની કાર્યવાહી નિષ્ફળ બનાવવાની સમાન મોડસ ઓપરેન્ડી સામે આવી હોવાનું જણાવાયું છે. હાલ સમગ્ર મામલે ED દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ દરમિયાન મળેલા દસ્તાવેજો, બેંક ખાતાઓ, મિલકતો અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ બાદ કેસમાં આગામી કાર્યવાહી થઈ શકે છે.  


આ પણ વાંચો     :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો