અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને પોશ વિસ્તાર ગણાતા બોડકદેવના સિંધુભવન રોડ પર આવનારા બે દિવસ માટે ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવેલા 'A Shridhar Wynn' પ્રોજેક્ટ ખાતે ભારે કોન્ક્રીટ પંપ અને ક્રેઇન ઇન્સ્ટોલેશનની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વિશાળ મશીનરી ગોઠવવાની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય અને સલામતી પૂરી પાડી શકાય તે માટે ટ્રાફિક પોલીસે આ મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે આ માર્ગ પરથી અવરજવર કરતા વાહનચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
રસ્તો 3 થી 5 નવેમ્બર સુધી બંધ રહેશે
ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, સ્ટેર્લિંગ હોસ્પિટલ્સ તરફના વળાંકથી લઈને સીધા સ્ટેર્લિંગ હોસ્પિટલ સુધીનો એક તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ પ્રતિબંધ 3 નવેમ્બરની રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થઈને 5 નવેમ્બરની રાત્રે 11 વાગ્યા સુધી એટલે કે કુલ 48 કલાક માટે અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ પર ક્રેઇન અને ભારે વાહનો ખડકાયેલા હોવાથી સામાન્ય નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.
