ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન ભાઈબીજના પવિત્ર તહેવારે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરતી હોય છે, પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસની મહિલા પોલીસકર્મીઓએ આ પર્વની ઉજવણીનો એક તદ્દન અલગ જ અને પ્રેરણાદાયી અંદાજ રજૂ કર્યો છે. તહેવારના દિવસે પોતાના પરિવારથી દૂર રહીને પણ આ મહિલા પોલીસકર્મીઓ પોતાની ફરજ પર અડिग રહીને લોકસેવા કરી રહી છે.
પોતાની સાથે અન્ય બહેનોના ભાઈની સલામતીની પણ ચિંતા
ભાઈબીજના આ પાવન અવસરે આ મહિલા પોલીસકર્મીઓએ માત્ર પોતાના જ નહીં પરંતુ શહેરના દરેક નાગરિક અને ભાઈની સલામતીની ચિંતા કરીને એક અનોખો સંકલ્પ લીધો છે. ટ્રાફિક પોઈન્ટ અને ડ્યુટીના સ્થળેથી જ તેઓ વાહનચાલકોને અટકાવીને પ્રેમથી સમજાવી રહી છે કે, "તમારે ઘરે તમારી બહેન તમારી રાહ જોઈ રહી છે, તેથી વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરો." તેમણે ખાસ કરીને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવા અને સીટ બેલ્ટ બાંધવા માટે અપીલ કરી હતી, જેથી અકસ્માતોથી બચી શકાય.
