ગુજરાતમાંથી રમતગમત ક્ષેત્રે ગર્વ અપાવતા અત્યંત પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ–2026 માં અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૩માં અભ્યાસ કરતા નાનકડા કરાટે ખેલાડી રૂદ્રાંશ શાહે શાનદાર પ્રદર્શન કરીને એક સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) અને એક રજત પદક (સિલ્વર મેડલ) હાંસલ કર્યા છે. નાની ઉંમરે પોતાની રમત પ્રત્યેની લગન, અથાગ મહેનત અને આત્મવિશ્વાસના બળે રૂદ્રાંશે આ સિદ્ધિ મેળવી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
અગાઉ પણ જીતી ચૂક્યો છે અનેક મેડલ
આ સ્પર્ધામાં 8 થી 9 વર્ષના વયજૂથ અને 52 કિલોગ્રામ વજન વર્ગની કલર બેલ્ટ કેટેગરીમાં રૂદ્રાંશે ઉત્કૃષ્ટ કૌશલ્ય દેખાડ્યું હતું. તેણે કુમિતે (Kumite – Individual Fight) ઇવેન્ટમાં સતત બે રાઉન્ડની ફાઇટ જીતીને પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે કાતા (Kata) ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રૂદ્રાંશ આ અગાઉ નેશનલ ચેમ્પિયનશિપ અને ઇન્ટર સ્કુલ કરાટે ચેમ્પિયનશિપ બંનેમાં ગોલ્ડ મેડલ તેમજ જિલ્લાની હરીફાઈમાં બે સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે, જે તેની અદ્ભુત પ્રતિભાની સાક્ષી પૂરે છે.
