અમદાવાદ શહેરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની મોસમમાં પરંપરાગત રીતે ગિફ્ટ આપવા માટે અને ખાવા-પીવામાં મીઠાઈઓ બાદ સૌથી વધુ ખરીદી ડ્રાયફ્રૂટની થતી હોય છે. પરંતુ આ વર્ષે ડ્રાયફ્રૂટ બજારમાંથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટના ભાવમાં સીધો 30 થી 40 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો છે. મોંઘવારીના આ ભારે વધારાને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડી છે અને તહેવારોની ઉજવણીનું બજેટ ગરબડાયું છે.
ભાવ વધારાની સીધી અસર, દિવાળી જેવો ઉત્સાહ ગાયબ
એક તરફ ભાવ વધ્યા છે તો બીજી તરફ બજારમાં ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રાયફ્રૂટની કુલ ખરીદીમાં સીધો 50 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે બજારમાં થોડીઘણી ઘરાકી સારી જોવા મળી રહી છે, પરંતુ વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉના વર્ષો જેવો રોનક અને 'દિવાળી જેવો માહોલ' આ વર્ષે બજારમાં જોવા મળી રહ્યો નથી, જેના કારણે વેપારી વર્ગમાં પણ ચિંતા પ્રસરતી જોવા મળે છે.

