રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં વાતાવરણની ગુણવત્તા સતત કથળી રહી છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 160 થી 195 ના આંકડા વચ્ચે પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત અને વધતા જતા વાહનોના ધુમાડાને કારણે શહેર પર ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.
એરપોર્ટ અને કઠવાડા વિસ્તારમાં સૌથી ખરાબ સ્થિતિ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા આંકડા મુજબ, એરપોર્ટ અને કઠવાડા વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે, જ્યાં AQI 195 ના સ્તરે પહોંચી ગયો છે. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા ઘુમા વિસ્તારમાં 188, બોડકદેવમાં 182 અને રાયખડમાં 182 AQI નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે શહેરનો પૂર્વ અને પશ્ચિમ બંને ભાગ પ્રદૂષણની ઝપેટમાં આવી ગયો છે.
અન્ય મુખ્ય વિસ્તારોમાં નોંધાયેલા AQI ના આંકડા
અમદાવાદ શહેરના અન્ય રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોની વાત કરીએ તો, થલતેજમાં 181, સોલામાં 178, બોપલમાં 175 અને ચાંદખેડામાં પણ 175 AQI નોંધાયો છે. આ સાથે જ સરખેજમાં 174, શાહીબાગમાં 168 અને ગ્યાસપુર વિસ્તારમાં 160 AQI નો આંકડો સામે આવ્યો છે. સતત વધી રહેલા પ્રદૂષણના કારણે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોની નાગરિકોને ખાસ સલાહ
જ્યારે AQI 150 થી 200 ની વચ્ચે હોય ત્યારે તે બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે. તબીબોના મતે, આવા વાતાવરણમાં અસ્થમા, શ્વાસની બીમારી ધરાવતા દર્દીઓ, બાળકો અને વૃદ્ધોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બહાર નીકળતા સમયે માસ્કનો ઉપયોગ કરવાની તેમજ બિનજરૂરી બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં થેલેસેમિયાના કેસો વધતા આરોગ્ય તંત્ર સતર્ક, આ વર્ષે 2,015 મહિલાઓ અને 151 પુરુષો પોઝિટિવ આવ્યા